કાર્તિકેયને મનાવવા માટે પ્રગટ્યા હતા મલ્લિકાર્જુન, શું છે જ્યોતિર્લિંગની વિશેષતા
- દેવી પાર્વતી પહેલા પુત્રને મનાવવા પહોંચ્યા, પરંતુ જ્યારે કાર્તિકેયે માતાની વાત ન માની ત્યારે મહાદેવજીને મલ્લિકાર્જુન રૂપમાં પ્રગટ થવું પડ્યું
HD ન્યુઝ ડેસ્કઃ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે બાર જ્યોતિર્લિંગોમાં ખાસ એવા બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુનના પ્રગટવા અંગેની વાત જાણવા જેવી છે. બાર જ્યોતિર્લિંગમાં બીજા સ્થાને આવેલા મલ્લિકાર્જુનના પ્રગટ થવાની વાત ગણેશ અને કાર્તિકેય વચ્ચેના વિવાદ સાથે જોડાયેલી છે. ભગવાન ગણેશની બુદ્ધિથી પરાજય પામીને કાર્તિકેય દુઃખી થયા હતા. તેઓ કૈલાશ પર્વત છોડીને શ્રીશૈલમ પર્વત પર છુપાઈ ગયા હતા. દેવી પાર્વતી પહેલા તેમને મનાવવા પહોંચી ગયા. જ્યારે કાર્તિકેય તેમની વાત ન માન્યા ત્યારે મહાદેવજી પુત્રને મનાવવા માટે મલ્લિકાર્જુન રૂપમાં શ્રીશૈલ પર્વત પર પ્રગટ થયા.
શું કહે છે શિવમહાપુરાણ?
કાશીમાં મલ્લિકાર્જુન મહાદેવનું મંદિર સિગરા સ્થિત ટેકરા પર આવેલું છે. દક્ષિણ ભારતમાં કૈલાશ તરીકે ઓળખાતું આંધ્રપ્રદેશનું શ્રી મલ્લિકાર્જુન મંદિર ભારતના બાર જ્યોતિર્લિંગોમાં બીજું માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલમ પર્વત પર સ્થિત છે. આ જ્યોતિર્લિંગના દર્શનથી તમામ સાત્વિક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
શું હતો ગણેશજી અને કાર્તિકેય વચ્ચેનો વિવાદ?
શિવમહાપુરાણ અનુસાર, એકવાર શિવ-પાર્વતીના પુત્ર કાર્તિકેય સ્વામી અને ગણેશજી તેમના લગ્નને લઈને ઝઘડો કરવા લાગ્યા. ઝઘડો ખતમ કરવા માટે શિવજીએ બંને સમક્ષ પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે તમારા બેમાંથી જે કોઈ પૃથ્વીની પરિક્રમા કરીને અહીં પહેલા આવશે તેના પહેલા લગ્ન થશે. કાર્તિકેય પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવા દોડ્યા પરંતુ ગણેશજી માટે આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું. તેમણે બુદ્ધિમત્તા દર્શાવી અને માતા પિતા શિવ-પાર્વતીને આસન પર બેસવા વિનંતી કરી.
ગણેશજીએ તેમની સાત વાર પ્રદક્ષિણા કરી. આ રીતે તેઓ પૃથ્વીની પરિક્રમાનું ફળ મેળવવાને હકદાર બન્યા. સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરીને કાર્તિકેય પાછા ફર્યા ત્યાં સુધીમાં શ્રી ગણેશના લગ્ન વિશ્વરૂપ પ્રજાપતિની પુત્રીઓ સિદ્ધિ અને રિદ્ધિ સાથે થઈ ચૂક્યા હતા. તેમને ‘ક્ષેમ’ અને ‘લાભ’ નામના બે પુત્રો પણ પ્રાપ્ત થયા હતા. આ જોઈને ભગવાન કાર્તિકેય ક્રોધિત થઈ ગયા અને શૈલ પર્વત તરફ ચાલી નીકળ્યા.
આ પણ વાંચોઃ ક્યારે છે શ્રાવણની પૂર્ણાહૂતિ અને સોમવતી અમાસ? જાણો સ્નાન-દાનનું મહત્ત્વ