ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીના લક્ષદ્વીપ ફોટો શેસન પર મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ, કહ્યું- એકવાર મણિપુરની સ્થિતિ જુઓ

Text To Speech

નવી દિલ્હી, 06 જાન્યુઆરી: PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે. હાલમાં પીએમ મોદીની લક્ષદ્વીપ પ્રવાસની તસવીરો વાઈરલ થઈ રહી છે. જેને લઈ ખડગેએ આકારા પ્રહાર કરતાં કહ્યું કે, મોદીજી મણિપુર કેમ નથી જતા, શું તે દેશનો ભાગ નથી, તે લક્ષદ્વીપની મુલાકાત લઈ શકે છે. એકવાર તો મણિપુર જાઓ અને જુઓ ત્યાંની હાલત શું છે. ખડગેએ કહ્યું કે અમે જનજાગૃતિ માટે આ ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છીએ. રાષ્ટ્રીય સમસ્યાઓ પર મોદીજી જે બેજવાબદારીપૂર્વક કામ કરી રહ્યા છે તે યોગ્ય નથી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કહ્યું- મણિપુરમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, પરંતુ વડાપ્રધાન મોદી ત્યાં ન ગયા. તેઓ રામ મંદિર સાઇટ અથવા બીચ પર જાય છે અને ફોટો સેશન કરાવે છે. તે મુંબઈ, કેરળ કે પછી કોઈપણ જગ્યાએ જાય, તમે તેમના ફોટા બધે જ જોયા હશે….તેમના ફોટા એવા પડે છે જાણે ભગવાન તેમને દર્શન આપી રહ્યા હોય. પણ આ મહાપુરુષ મણિપુર કેમ નથી જતા? ખડગેએ 14 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ભારત જોડો ન્યાય યાત્રા અંગે પાર્ટી કાર્યાલયમાં મીડિયા સાથે વાત કરતાં સમયે પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો.

તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી શરૂ થનારી ભારત જોડો ન્યાય યાત્રા દેશના સામાજિક, આર્થિક, રાજકીય અને મૂળભૂત મુદ્દાઓ પર કાઢવામાં આવી રહી છે. અમને દરેકના સમર્થનની જરૂર છે. આ યાત્રા જનજાગૃતિ માટે છે. આ યાત્રા દ્વારા અમે સમાજના ગરીબો અને અલગ-અલગ લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરીશું. તેને સફળ બનાવવા માટે કોંગ્રેસના તમામ નેતાઓ પૂરા પ્રયાસો કરશે. હું ઈચ્છું છું કે I.N.D.I.A.ના નેતાઓ પણ આ યાત્રામાં જોડાય અને તેને સફળ બનાવે. ઉલ્લેખનીય છે કે, આ યાત્રા 14મી જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને દેશના 15 રાજ્યોની 100 લોકસભા બેઠકો અને 300થી વધુ વિધાનસભા બેઠકોમાંથી પસાર થશે.

આ પણ વાંચો: PM મોદીએ દરિયામાં ડૂબકી લગાવી, જુઓ તસવીરો

Back to top button