મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની કરાઈ તપાસ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો
નવી દિલ્હી, 12 મે : દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસે ચૂંટણી અધિકારીઓ પર વિપક્ષી નેતાઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે બિહારના સમસ્તીપુરમાં તેના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી, જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના નેતાઓને “મુક્તપણે” જવા દેવામાં આવી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે બિહારના સમસ્તીપુર અને મુઝફ્ફરપુરમાં એક પછી એક ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું કેરળમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને હવે બિહારના સમસ્તીપુરમાં પાર્ટી અધ્યક્ષ ખડગેના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી, એવો દાવો કોંગ્રેસના નેતા રાજેશ રાઠોડે વોટ્સએપ પર એક વીડિયો સંદેશમાં કર્યો હતો. રાજેશ રાઠોડ કોંગ્રેસની બિહાર યુનિટના મુખ્ય પ્રવક્તા છે. એક વીડિયો શેર કરીને તેમણે દાવો કર્યો હતો કે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી પોતે સમસ્તીપુરમાં ખરેગેના હેલિકોપ્ટરની તપાસ પર નજર રાખી રહ્યા છે.
“શું એનડીએ નેતાઓની પણ તપાસ થાય છે?”
વીડિયોમાં એક હેલિકોપ્ટર દેખાડવામાં આવ્યું છે જેમાં ચારે બાજુ પોલીસ સહિતના અધિકારીઓ હાજર છે. કોંગ્રેસના પ્રવક્તા રાજેશ રાઠોડે પોતાના વીડિયો સંદેશમાં કહ્યું, “ચૂંટણી પંચ (EC) એ સ્પષ્ટ કરવું જોઈએ કે શું કોંગ્રેસના નેતાઓના હેલિકોપ્ટરનું આ પ્રકારનું ચેકિંગ નિયમિત છે. શું NDAના ટોચના નેતાઓ પર પણ આવી જ તપાસ કરવામાં આવી હતી?” તેમણે કહ્યું, “ચૂંટણી પંચે આવા તમામ રેકોર્ડ સાર્વજનિક કરવા જોઈએ, નહીં તો એવું માનવામાં આવશે કે તે વિપક્ષી નેતાઓને રોકવા માટે જ નિશાન બનાવી રહ્યું છે. અને NDA નેતાઓને મુક્તપણે જવા દે છે.”
આ પણ વાંચો :બાઇક અકસ્માતનો આ Video તમને હચમચાવી દેશે, ફ્લાયઓવરની દિવાલ સાથે અથડાતા ત્રણેય યુવકો નીચે પટકાયા