મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનું પદ આજે સંભાળશે, જાણો શું હશે ચેલેન્જ
કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે કાર્યભાર સંભાળશે. પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ 24 વર્ષ બાદ બિન-ગાંધી અધ્યક્ષના કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, દિવાળીના કારણે રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ને બે દિવસ માટે મોકૂફ રાખવાની સાથે, પાર્ટીએ નવા પ્રમુખના પદગ્રહણ સમારોહ માટે ભારત જોડો યાત્રાને પણ એક દિવસ લંબાવી છે. આ કાર્યક્રમમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પણ હાજરી આપશે. દિલ્હી જતા પહેલા બઘેલે રાયપુરમાં કહ્યું હતું કે, મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળશે. મને પણ આ પ્રસંગે હાજર રહેવા જણાવાયું છે. તેથી હું દિલ્હી જાઉં છું. મહત્વનું છે કે, મલ્લિકાર્જુન ખડગેને 2024ની લોકસભા ચૂંટણી પહેલા સૌથી જૂની પાર્ટીને મજબૂત કરવા માટે ઘણા પડકારોનો સામનો કરવો પડશે. ખડગે માટે પહેલો પડકાર ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી છે. આવી સ્થિતિમાં તેમના માટે સામાન્ય ચૂંટણી પહેલા પાર્ટીને એકજૂટ કરવી મોટો પડકાર હશે.
2023માં કર્ણાટક સહિત નવ રાજ્યોમાં ચૂંટણી
હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ભાજપની મજબૂત પકડ છે. આવી સ્થિતિમાં અહીંની વિધાનસભા ચૂંટણી ખડગે માટે પ્રથમ પડકાર હશે. હાલમાં માત્ર બે રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. હિમાચલ અને ગુજરાતની પરીક્ષાઓ પછી 2023 માં નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે, જેમાં તેમના ગૃહ રાજ્ય કર્ણાટકનો પણ સમાવેશ થાય છે. તેમના માટે પાર્ટીમાં અનુભવી અને યુવા વચ્ચે સંતુલન જાળવવું પણ એક પડકાર હશે
ચૂંટણીમાં સફળતાના આધારે નેતૃત્વ ક્ષમતાની કસોટી કરવામાં આવશે
રાજકીય વિશ્લેષક રાશિદ કિડવાઈ કહે છે કે ખડગેને અનેક પડકારોનો સામનો કરવો પડે છે કારણ કે તેમને ‘ટીમ રાહુલ ગાંધી’ના સભ્યો સાથે સંકલન કરવું પડશે, જેઓ AICC, CWC અને મોટાભાગના રાજ્યોમાં મુખ્ય હોદ્દા ધરાવે છે. બીજી તરફ રાજકીય સમીક્ષક સંજય કુમારે કહ્યું કે પાર્ટી માટે ઘણા પડકારો છે અને કમનસીબે ખડગેની નેતૃત્વ ક્ષમતાની કસોટી કોંગ્રેસની ચૂંટણીમાં મળેલી સફળતાના આધારે જ થશે.