ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

માલદીવના પ્રમુખ મુઇઝઝૂએ જીત બાદ તરત જ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

  • ચૂંટણીના પરિણામો છુપાયેલા એજન્ડાવાળાઓને જવાબ છે: પ્રમુખ મુઇઝઝૂ

માલદીવ, 23 એપ્રિલ: માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝઝૂએ સંસદમાં જીત બાદ તરત જ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. મુઇઝઝૂની પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવી છે. આ જીત બાદ મુઇઝઝૂએ ફરી એકવાર ભારત પ્રત્યે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે તેમણે કહ્યું છે કે, તાજેતરની ચૂંટણીના પરિણામોએ વિશ્વને બતાવ્યું છે કે માલદીવના લોકો તેમના ભવિષ્યની પસંદગીમાં સ્વાયત્તતા ઇચ્છે છે ન કે કોઈપણ પ્રકારનો વિદેશી હસ્તક્ષેપ. સત્તાધારી પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC)ને સંસદીય ચૂંટણીમાં જંગી બહુમતી મળ્યાના એક દિવસ બાદ ચીન સમર્થિત મુઇઝઝૂએ તરત જ આ નિવેદન આપ્યું છે. ચૂંટણીમાં મુઇઝઝૂની શાસક પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) પાર્ટી, જેને ચીનનું સમર્થન છે, તેણે 93માંથી 68 બેઠકો જીતી છે જ્યારે તેના સહયોગી માલદીવ્સ નેશનલ પાર્ટી (MNP) એ એક સીટ અને માલદીવ્સ ડેવલપમેન્ટ એલાયન્સ (MDA)ને બે સીટ જીતી છે.

માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝઝૂએ જીત બાદ શું કહ્યું?

પ્રમુખ મુઇઝઝૂએ કહ્યું કે, અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને કહ્યું છે કે, “અમે એક ગૌરવપૂર્ણ દેશ છીએ, જે સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાને ચાહે છે. સંસદીય ચૂંટણીના પરિણામો એ વાતનો પુરાવો છે કે માલદીવના લોકો દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ઇસ્લામ અને તેના સિદ્ધાંતોમાં વિશ્વાસ જાળવી રાખવા માંગે છે. આ પરિણામો માલદીવના લોકોની દ્રષ્ટિ અને ઉદ્દેશ્યો વિશે વિશ્વને આપેલો સંદેશ છે. માલદીવના લોકો વિદેશી દબાણને નકારીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્વાયત્તતા પસંદ કરવા માંગે છે. આ ચૂંટણી પરિણામોએ છુપાયેલ એજન્ડા ધરાવતા લોકોને યોગ્ય જવાબ આપ્યો છે. તેમને હવે ખબર પડી ગઈ છે કે માલદીવના લોકો ખરેખર શું ઈચ્છે છે.” હકીકતમાં, તેમણે ઘણી વખત ભારત પર માલદીવના આંતરિક મામલામાં દખલ કરવાનો આરોપ લગાવ્યો છે. મુઇઝઝૂએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ‘ઈન્ડિયા આઉટ’ ના નારા પર પ્રમુખની ચૂંટણી જીતી હતી.

મુઇઝઝૂએ ભારત પ્રત્યે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું 

માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝઝૂએ આ વર્ષે જાન્યુઆરીમાં પાંચ દિવસ માટે ચીનની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાંથી પાછા ફરતાની સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અમારી સાથે દાદાગીરી કરવાનું લાયસન્સ કોઈની પાસે નથી. મુઇઝઝૂએ કહ્યું હતું કે, આપણે ભલે નાનો દેશ હોઈએ પરંતુ તે કોઈને આપણી સાથે દાદાગીરી કરવાનું લાયસન્સ આપતું નથી. જોકે, મુઇઝઝૂએ કોઈનું નામ લઈને સીધું આ નિવેદન આપ્યું નથી. પરંતુ એવું માનવામાં આવતું હતું કે, તેમનું લક્ષ્ય ભારત તરફ હતું.

ચીન તરફી ગણાતા મુઇઝઝૂએ તેમની પાંચ દિવસની ચીન મુલાકાત દરમિયાન પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાત એવા સમયે થઈ જ્યારે માલદીવ સરકારના ત્રણ મંત્રીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ વધી રહ્યો છે.

બંને દેશો વચ્ચે શું છે વિવાદ?

વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવ સરકારના ત્રણ મંત્રીઓએ પીએમ મોદીની મુલાકાતની કેટલીક તસવીરો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારથી બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધુ ઘેરો બન્યો હતો. આ મામલે વિવાદ વધ્યા બાદ આ ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ જુઓ: તાઈવાનમાં 80થી વધુ ભૂકંપના આંચકા! રાતભર ધ્રૂજતી રહી ધરતી

Back to top button