ચીનની મુલાકાત બાદ માલદીવ પ્રમુખના બદલાયા સૂર
- ચીનના પ્રવાસથી પરત ફર્યા બાદ માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈઝુનો સૂર બદલાયો
- મુઈઝુએ કહ્યું કે અમે ભલે નાના હોઈએ પરંતુ તે અમને ધમકાવવાનું લાયસન્સ આપતું નથી
- મુઇજ્જુ પાંચ દિવસની ચીનની મુલાકાત પૂર્ણ કરીને દેશ પરત ફર્યા
ભારત-માલદીવ, 14 જાન્યુઆરી : ભારત અને માલદીવ વચ્ચેનો વિવાદ જલ્દી સમાપ્ત થાય તેવું લાગતું નથી. ચીનના પ્રવાસ પરથી પરત ફર્યા બાદ માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈઝુના સૂર બદલાઈ ગયા છે. મુઈઝુએ કહ્યું, ‘અમે ભલે નાના હોઈએ પરંતુ તે અમને ધમકી આપવાનું લાઇસન્સ આપતું નથી.’ ચીનની પાંચ દિવસીય મુલાકાત પૂર્ણ કરીને પરત ફર્યા બાદ મુઈઝુએ શનિવારે માલેમાં નિવેદનમાં કહ્યું કે હિંદ મહાસાગર કોઈ ખાસ દેશનો ભાગ નથી. આ મહાસાગરનો સૌથી મોટો ભાગ ધરાવતો દેશ માલદીવ છે.
તેમજ, તેણે એ ટિપ્પણીઓનો જવાબ આપતા પણ કહ્યું કે, અમે કોઈના પડોશમાં નથી, અમે સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ છીએ. ચીન સાથે માલદીવના સંબંધો પર મુઈઝૂએ કહ્યું કે આંતરિક બાબતોમાં દખલ ન કરવી એ માલદીવ-ચીન સંબંધોનો આધાર છે. તેમજ, બેઇજિંગ માલદીવના કોઈપણ ઘરેલું મામલામાં પોતાનો પ્રભાવ નહીં પાડે. અગાઉની માલદીવ સરકારની ભારત તરફી નીતિઓ પર આડકતરી રીતે પ્રહાર કરતા મુઈઝૂએ કહ્યું કે અગાઉના વહીવટીતંત્રે વિદેશી દેશ પાસે એક ખુરશી પરથી ઉઠવા અને બીજી ખુરશી પર બેસવાની પરવાનગી માંગી હતી.
માલદીવએ આ મહાસાગરનો સૌથી મોટો હિસ્સો ધરાવતા દેશોમાંનો એક છે. આ મહાસાગર કોઈ એક દેશનો નથી. આ મહાસાગર પણ તેમાં સ્થિત તમામ દેશોનો છે. ખાસ કરીને તેમની ચીનની મુલાકાત દરમિયાન બેઇજિંગને માલદીવમાં વધુ પ્રવાસીઓને મોકલવા માટેના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા અપીલ કરી હતી. મુઈઝુએ કહ્યું કે કોવિડ પહેલા ચીન આપણું સૌથી મોટું બજાર હતું. મારી વિનંતી છે કે અમે ચીનને આ સ્થાન પાછું મેળવવામાં મદદ કરવા માટેના પ્રયાસો વધુ તીવ્ર કરીએ. મુઈઝુએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ‘ઈન્ડિયા આઉટ’ અભિયાનના આધારે ચૂંટણી જીતી હતી. જેમાં તેણે માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવવાનું વચન આપ્યું હતું.
ચીનના મજબૂત સમર્થક ગણાતા મુઈઝુનું આ નિવેદન ભારત અને માલદીવ વચ્ચેના મોટા વિવાદ વચ્ચે આવ્યું છે. જેમાં માલદીવના રાજકારણીઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની તાજેતરની મુલાકાત સામે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીઓએ ઓનલાઈન ‘બૉયકોટ માલદીવ્સ’ ટ્રેન્ડને જન્મ આપ્યો હતો. જેને બોલિવૂડ કલાકારો, ક્રિકેટરો અને અન્ય અગ્રણી વ્યક્તિઓએ પણ સમર્થન આપ્યું છે.
આ પણ વાંચો : લક્ષદ્વીપનું એ એરપોર્ટ, જ્યાં પ્લેન લેન્ડ કરતી વખતે પાયલોટના હાથ ધ્રૂજી જાય છે!