ટ્રેન્ડિંગવર્લ્ડ

માલદીવના રાષ્ટ્રપતિએ શપથ લીધા બાદ બતાવ્યા તેવર, ભારતને સેના પાછી ખેંચવા અનુરોધ

Text To Speech

માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો સતત બગડવા તરફ આગળ વધી રહ્યા છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સતત માલદીવમાંથી ભારતીય સેનાની હટાવવાની વાત કરી રહ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માલદીવ સરકારે ભારતને માલદીવમાંથી તેના સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવા માટે ઔપચારિક વિનંતી કરી છે.

Union Minister Kiren Rijiju and Maldives President
Union Minister Kiren Rijiju and Maldives President

રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુએ રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે ભારત સરકારના મંત્રી કિરેન રિજિજુ સાથેની તેમની મુલાકાત દરમિયાન ઔપચારિક રીતે આ વિનંતી કરી હતી.

માલદીવમાંથી ભારતીય સેનાની હાજરીને હટાવવાનો હેતુ

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ માલદીવના નવા રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા હતા. નોંધનીય છે કે ચૂંટાયા પહેલા મુઇઝુએ કહ્યું હતું કે તેમની પ્રથમ પ્રાથમિકતા માલદીવમાંથી ભારતીય સેનાની હાજરીને વહેલી તકે ખતમ કરવાની છે.

મુઈઝુ ચીનના સમર્થક

મુઈઝુએ શપથ લીધા બાદ આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે માલદીવ તેની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ માટે દેશમાં કોઈ વિદેશી સૈન્યની હાજરી ન હોય તે સુનિશ્ચિત કરવા માટે તે મજબૂત પ્રતિબદ્ધ છે. ચીન તરફી ગણાતા મુઈઝૂ માલદીવના આઠમા રાષ્ટ્રપતિ છે.

Maldives President taking oath
Maldives President taking oath

ભારત માલદીવ સાથે સહયોગ અને ભાગીદારી માટે આતુર

અગાઉ, ભારતના વિદેશ મંત્રાલયે તાજેતરમાં ભારત-માલદીવ સહકાર પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે ભારત માલદીવ સાથે સતત સહયોગ અને ભાગીદારી માટે આતુર છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમે લોકોના કલ્યાણ, માનવીય સહાયતા, આપત્તિ રાહત અને ગેરકાયદેસર દરિયાઈ ગતિવિધિઓનો સામનો કરવા જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં આપણા સૈન્ય જવાનોએ માલદીવના 523 લોકોના જીવ બચાવ્યા છે. એટલું જ નહીં, છેલ્લાં પાંચ વર્ષમાં ભારતે માલદીવની દરિયાઈ સુરક્ષા માટે 450થી વધુ બહુપરીમાણીય મિશન હાથ ધર્યા છે. જેમાંથી ગત વર્ષે 122 મિશન હાથ ધરવામાં આવ્યા હતા.

Back to top button