ગુજરાત

મલાણા : જે ગામે જળ આંદોલન કર્યું હતું, તેના યુવાનો એ જળ સંચયનો રાહ ચીંધ્યો

Text To Speech

પાલનપુર તાલુકાના મલાણા ગામમાં ગ્રામ લોકોએ ખુબ જ ટૂંકા ગાળામાં જળ સંચય અભિયાનને વેગવંતુ બનાવ્યુ હતું. ગામની મુલાકાતે પહોંચેલા કલેકટરએ ગ્રામજનો સાથે મીટીંગ કરીને વર્તમાન સમયમાં જળ સંચયનું મહત્વ અને એની જરૂરિયાત વિશે ચર્ચા કરી હતી. કલેકટર આનંદ પટેલે મલાણા તળાવ ભરવા માટે થોડાક મહિનાઓ અગાઉ થયેલ આંદોલનને યાદ કરતાં જણાવ્યું હતું કે, આટલું મોટું આંદોલન થયું છતા તેમાં ભાગ લેનાર તમામ લોકોએ કોઇપણ અવ્યવસ્થા ન થાય કે કોઇ નાગરિકને તકલીફ ન પડે એ રીતે માંગણી કરી હતી. જે આ ખેડુતોમાં રહેલ શિસ્ત અને સંસ્કારના દર્શન કરાવે છે અને હું તેને વંદન કરું છું. તેઓએ જણાવ્યું કે, વહીવટીતંત્ર દ્વારા જેવી જ આ બાબત મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મુકવામાં આવી ત્યારે તેઓએ ત્વરીત નિર્ણય લઇ સંવેદનશીલતા દાખવીને આસપાસના વિસ્તારના લોકોને સ્પર્શતા આ પ્રશ્નને ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.

જળ સંચય કામગીરીને અભિયાનરૂપે લેવા બદલ ગામના યુવાનોને અભિનંદન : કલેકટર આનંદ પટેલ
કલેકટરએ કહ્યું કે, જિલ્લા વહીવટીતંત્ર સતત લોકોની તકલીફ દૂર કરવા માટે ચિંતિત રહે છે. જેમાં મલાણા ગામનો ખુબ સહકાર મળી રહ્યો છે. માત્ર પોતાના પ્રશ્નની રજૂઆત કરીને બેસી રહેવાને બદલે ગામના યુવાનોએ જળ સંચયની કામગીરી સ્વયંભૂ એક અભિયાન સ્વરૂપે ઉપાડી એ પ્રસંશનીય બાબત છે. પોતાના ગામનો પાણીનો પ્રશ્ન ઉકેલવા જળ સંચયના કામો માટે દિવસ-રાત એક કરતા યુવાનો અભિનંદનને પાત્ર છે. આવનારા દિવસોમાં મલાણા ગામ સમગ્ર વિસ્તાર માટે જળ સંચયનું ઉત્તમ ઉદાહરણ બનશે એવી આશા કલેકટરે વ્યક્ત કરી હતી.

જિલ્લા કલેક્ટર આનંદ પટેલે પાણીના ઉપલબ્ધ સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા તથા કુવા રિચાર્જ કરવા પર ભાર મુ્ક્યો હતો. તેઓએ નરેગા અંતર્ગત પણ વિવિધ લાભો લેવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી. તેઓએ ખેતી અને પશુપાલન કરી ખુમારીપૂર્વક જીવન જીવતા ખેડુતો અને બહેનોને અભિનંદન આપ્યાત હતા. સૂક્ષ્મ સિંચાઇ પધ્ધતિમાં બનાસકાંઠા સમગ્ર દેશમાં અગ્રેસર છે ત્યારે આવનારા દિવસોમાં એગ્રી ફોરેસ્ટ્રી તથા ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટ અંગે વિચારણા કરવા જણાવ્યું હતુ. આમ, કલેકટરએ થોડાક મહિના અગાઉ જળ આંદોલન કરનાર મલાણા ગામ જળ સંચય અભિયાન તરફ આગળ વધ્યું એ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

Back to top button