

મુંબઈ, 25 ડિસેમ્બર: સોશિયલ મીડિયા પર 100 રૂપિયાની જૂની નોટોને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) એ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો બદલવા માટે કહ્યું છે અને તે હવે ચલણમાં રહી નથી. શું ખરેખર RBIએ આવી કોઈ જાહેરાત કરી છે? ચાલો જાણીએ.
સોશિયલ મીડિયામાં 100 રુપિયાની જૂની નોટને લઈને કરાઈ રહેલા દાવાની HD ન્યૂઝની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે RBI દ્વારા આવા પ્રકારની કોઈ પણ સુચના આપવામાં આવી નથી. 100 રુપિયાની જૂની નોટો હજુ પણ બઘી જગ્યાએ ચાલુ જ છે અને તેને બંઘ કરવાની કોઈ પણ પ્રકારની અત્યાર સુધીમાં જાહેરાત કરવામાં આવી નથી. આ સોશિયલ મીડિયામાં માત્ર ખોટો દાવો કરવામાં આવ્યો છે.
શું થઈ રહ્યું છે વાયરલ?

એક વપરાશકર્તા @nawababrar131 એ 20 ડિસેમ્બર, 2023 ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું હતું. તેમાં 100 રૂપિયાની જૂની નોટનો ફોટો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, “આ જૂની 100 રૂપિયાની નોટ હવે માન્ય નથી. RBIએ નોટ બદલવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 આપી છે.”
આ દાવાની પુષ્ટિ કરવા માટે, સૌથી પહેલા અમે તેનાથી સંબંધિત સમાચારો શોધ્યા. અમને કોઈપણ મીડિયા પ્લેટફોર્મ પર એવા સમાચાર મળ્યા નથી કે ભારતીય રિઝર્વ બેંકે જૂની 100 રૂપિયાની નોટ બદલવાની સમયમર્યાદા આપી હોય કે તેને બંધ કરવામાં આવી હોય.

આ પછી અમે સીધા આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર જઈને તપાસ કરી. અહીં અમે નોટિફિકેશન અને પ્રેસ રિલીઝ વિભાગમાં આ સમાચાર સાથે સંબંધિત માહિતી શોધી હતી, પરંતુ અહીં પણ આવો કોઈ આદેશ જોવા મળ્યો ન હતો.
તપાસમાં શું બહાર આવ્યું?
આરબીઆઈના તમામ ઓફિશિયલ પ્લેટફોર્મ અને સમાચારો પર સર્ચ કર્યા બાદ સ્પષ્ટ થયું કે આરબીઆઈએ 100 રૂપિયાની જૂની નોટ બદલવા કે બંધ થવાની કોઈ જગ્યાએ સૂચના આપવામાં આવી નથી. સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહેલો દાવો એક દમ ખોટો છે. 100 રુપિયાની જૂની કે નવી બંને પ્રકારની નોટો ચલણમાં જ છે.
આ પણ વાંચો: Paytmએ 1000થી વધુ લોકોની છટણી કરી