ડાયાબિટીસમાં બનાવો સુગર ફ્રી ‘રાગીની બરફી’, હવે કોઈ પણ ચિંતા વગર મીઠાઇ ખાઈ શકો છો.
કોઇ પણ વ્યક્તિને મીઠાઇ ખાવાનું મન થઇ જતુ હોય છે. એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ ગળ્યું ખાવાના શોખીન હોય છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ મનભરીને મીઠાઇ ખાઇ શકતા નથી.
જયારે તહેવારો અને લગ્નગાળાની સિઝનમાં અનેક ઘરોમાં નાસ્તા અને મીઠાઇ બનતી હોય છે. આજના આ સમયમાં લોકો ઘરે નાસ્તા અને મીઠાઇ બનાવતા હોય છે. ઘરે બનાવેલ મીઠાઇ અને નાસ્તા ખાવાની મજા પણ કંઇક અલગ જ આવે છે. પરંતુ, જો આરોગ્યની વાત કરીએ તો અનેક લોકો ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ સાથે સંકળાયેલા હોય છે, માટે આ લોકો મીઠાઇ ખાઈ નથી શકતા.આજે અમે તમારી માટે એક એવી મીઠાઇની રેસિપી લઇને આવ્યા છીએ. જે તમે ડાયાબિટીસમાં પણ મનભરીને ખાઇ શકો છો.તો જાણો ઘરે કેવી રીતે બનાવશો સુગર ફ્રી રાગીની બરફી.
સામગ્રી
એક કપ રાગી
જરૂર મુબજ ઘી
એક ચમચી ઇલાયચી પાવડર
ચાંદીનો વરખ
હુંફાળુ દૂધ
બદામ
કાજુ
પિસ્તા
ખજૂર
બનાવવાની રીત
સુગર ફ્રી રાગીની બરફી બનાવવા માટે સૌથી પહેલા એક તવું લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થઇ જાય એટલે એમાં રાગી નાખી તેને શેકી લો. આ રાગી તમારે ધીમા ગેસે શેકવાની રહેશે. રાગી જેમ-જેમ શેકાતી જશે એમ એમાંથી તમને સુગંધ આવશે. રાગીને તમારે બહુ શેકવાની નથી. તેને શેકતી વખતે સતત હલાવતા રહો. આ રાગી શેકાશે એટલે બ્રાઉન કલર પકડાશે. ત્યારબાદ તેને એક પ્લેટમાં લઇ લો.
રાગી શેકાઇ જાય એટલે એક પેન લો અને એમાં ખજૂરના એકદમ નાના કટ કરેલા ટુકડા નાંખો. ત્યારબાદ આમાં જરૂર મુજબ દૂધ નાંખો અને આ મિશ્રણને હલાવતા રહો. બે થી ત્રણ મિનિટ રહીને ઇલાયચી પાવડર નાંખો. ઇલાયચી પાવડર નાંખ્યા પછી હવે શેકેલી રાગી નાંખો. જો તમને એવું લાગે કે મિશ્રણ ડ્રાય છે તો તમે જરૂર મુજબ દૂધ એડ કરી શકો છો. હવે ડ્રાય ફ્રૂ્ટસ નાંખો અને ગેસ બંધ કરી દો.
હવે એક થાળી લો અને એમાં નીચે ઘી લગાવી દો. ત્યારબાદ આ મિશ્રણ થાળીમાં પાથરી દો. હવે આને કટ કરી લો. તો તૈયાર છે સુગર ફ્રી રાગીની બરફી.
આ પણ વાંચો: રોજ સવારે ખાવી આ વસ્તુ, શરીરમાં ક્યારેય નહીં આવે નબળાઈ