ફૂડ

શિયાળાની ઋતુમાં ઘરે જ બનાવો શુદ્ધ અને ટેસ્ટી કચરિયું, જાણો બનાવવાની રીત

Text To Speech

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. આ સમયે જો તમે ઘરે જ વસાણા બનાવવાનું પસંદ કરો છો તો તમારા માટે અનેક વિવિધ ચીજો હોઈ શકે છે. આ સિવાય જો તમે ઘરમાં સૌની પસંદનું કચરિયું બનાવવાનું વિચારી રહ્યા છો તો તમે સરળતાથી તેની તૈયારી કરી શકો છો. કચરિયું નાના મોટા સૌને ભાવે છે અને સરળ રીતે બની પણ જાય છે. તો જાણો કઈ સામગ્રીની જરૂર પડશે. કચરિયું ખાસ કરીને તલની મદદથી બને છે. તેમાં તમે કાળા અને સફેદ બંને તલને તમારી પસંદગી પ્રમાણે યૂઝ કરી શકો છો. તલના ફાયદા તો તમે જાણતા જ હશો જો ન તો જાણતા હોય તો જુઓ તલના ફાયદા.

તલના ફાયદા : ડાયટમાં તલનો સમાવેશ કરવાથી બ્લડપ્રેશરને સામાન્ય રાખવામાં મદદ મળે છે. દરરોજ કાળા તલ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે. શિયાળાની ઋતુમાં કાળા તલનું સેવન કરવાની સલાહ પણ આપવામાં આવે છે. કાળા તલમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને ફાઈબર જેવા ગુણો હોય છે, જેનાથી ઠંડીમાં ફાયદો થાય છે.

સફેદ-કાળા તલનું કચરિયુ બનાવવાની સામગ્રી : 2 ચમચી ઘી, 1/2 વાટકી ગોળ, 1 વાટકી અધકચરા પીસેલા સફેદ તલ અથવા કાળા તલ, 6 ખજૂરના ઝીણા ટૂકડા, 1 ચમચી સૂંઠ, 1 ચમચી ગંઠોડા પાવડર, 1 ચમચી મગજતરીના બી, 1 ચમચી ખસખસ, 2 ચમચી સૂકા કોપરાનું છીણ, 2 ચમચી સૂકામેવાનો પાવડર.

બનાવવાની રીત : એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરી તેમાં અડધી વાટકી ગોળ ઉમેરી શેકી લો. ઓગળે એટલો જ ગરમ કરો અને પછી ગેસ બંધ કરી દો. હવે એમાં એક વાટકી અધકચરા પીસેલા (મિક્સરમાં પીસી લેવા) સફેદ તલ કે કાળા તલ ઉમેરો. ત્યારબાદ તેમાં પાંચ ખજૂરના ઝીણા ટૂકડા નાંખો અને સૂંઠ, ગંઠોડા પાવડર, મગજતરીના બી, ખસખસ, સૂકા કોપરાનું છીણ, સૂકામેવાનો પાવડર ઉમેરી મિક્સ કરો. ગેસ ચાલુ કરો અને થોડી વાર સુધી તમામ વસ્તુઓને શેકી લો. હવે તેને થાળીમાં ઠારી દો. આ સિવાય જો તમે કોઈ અન્ય શેપ આપવા ઈચ્છો છો તો તે પણ ટ્રાય કરી શકો છો. હવે ઉપરથી મગજતરી, ખસખસથી સજાવી લો. આ રીતે બનાવેલ કચરિયું લાંબા સમય સુધી ટકી રહે છે. તમે તેને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરો અથવા સ્ટીલના ડબ્બામાં પણ રાખી શકો છો. રોજ થોડું થોડું ખાવાથી શરીરને ઠંડી સામે લડવામાં અનેક ફાયદા મળશે.

Back to top button