ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અરુણાચલમાં ભાજપને બહુમતી, સિક્કિમમાં એસકેએમની પ્રચંડ સુનામી

  • અરુણાચલ પ્રદેશમાં 46 બેઠક જીતીને ભાજપે મેળવી બહુમતી
  • સિક્કિમમાં એસકેએમની 32માંથી 31 બેઠક જીતીને ક્લિન સ્વીપ

ઈટાનગર / ગંગટોક, 2 જૂન, 2024: પૂર્વોત્તર (ઈશાન) ભારતનાં બે રાજ્ય અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આજે આવી ગયાં છે.  લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલની ચર્ચા વચ્ચે આજે બે રાજ્ય- અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો બપોર સુધીમાં સ્પષ્ટ થઈ ગયા. બંને રાજ્યોમાં જનતાએ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી છે. અરુણાચલમાં ભાજપને બહુમતી મળી છે. સિક્કિમમાં SKMએ એકતરફી જીત મેળવી છે. અગાઉ, સવારે 6 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી અને બંને રાજ્યોમાં વલણ સ્પષ્ટ રહ્યું હતું.

વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી

અગાઉ એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે અરુણાચલમાં ભાજપને કુલ 60માંથી 44થી 51 બેઠકો મળી શકે છે. તે જ સમયે, એક્સિસ-માય ઇન્ડિયા અનુસાર, સિક્કિમમાં સત્તારૂઢ SKM (સિક્કિમ ક્રાંતિકારી મોરચા) 24 થી 30 બેઠકો જીતીને વાપસી કરી શકે છે. પરિણામો પણ એવા જ રહ્યા.

ભાજપના ખાતામાં પહેલાથી જ 10 બેઠકો છે

અરુણાચલ પ્રદેશમાં શાસક ભાજપે 60 સભ્યોની રાજ્ય વિધાનસભામાં પહેલાથી જ 10 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. 2019ની ચૂંટણીમાં તેણે 41 બેઠકો જીતી હતી. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પવન કુમાર સેનના જણાવ્યા અનુસાર, અંતિમ પરિણામો બપોર સુધીમાં અપેક્ષિત છે. અરુણાચલના સીએમ પેમા ખાંડુ અને નાયબ મુખ્ય પ્રધાન, બંને ભાજપના નેતાઓ ચૂંટણી જીતી ચૂક્યા છે.

અરુણાચલ પ્રદેશમાં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે યોજાઈ હતી. વિધાનસભાની ચૂંટણીમાં 82.71 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે રાજ્યની બે લોકસભા બેઠકો માટેની ચૂંટણીમાં 77.51 ટકા મતદાન નોંધાયું હતું. વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. રાજ્યની બે લોકસભા બેઠકો માટે 25 કેન્દ્રો પર 4 જૂને સવારે 8 વાગ્યાથી મતગણતરી કરવામાં આવશે. અરુણાચલ પ્રદેશમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ સહિત 14 ઉમેદવારોએ સંસદીય ચૂંટણી લડી હતી. 2019ની ચૂંટણીમાં ભાજપે લોકસભાની બંને બેઠકો જીતી હતી.

તો બીજી તરફ સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીમાં આ વખતે સત્તાધારી પ્રેમ સિંહ તમંગના નેતૃત્વમાં સત્તાધારી સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ ક્લિન સ્વીપ કરીને 32માંથી 31 બેઠકો જીતી લીધી છે. રાજ્યમાં એકકેએમનો મુકાબલો પવન કુમાર ચામલિંગના નેતૃત્વવાળા સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ વચ્ચે મુકાબલો હતો. ભાજપ અને કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે પરંતુ કોઈ પક્ષ ખાતું પણ ખોલાવી શક્યા નથી. સિક્કિમમાં તો સુપ્રસિદ્ધ ફૂટબૉલર વાઈચુંગ ભૂટિયા પણ ચૂંટણી હારી ગયા છે.

આ પણ વાંચોઃ સરહદે પાકિસ્તાન મોટું ષડયંત્ર રચી રહ્યું છેઃ જમ્મુ-કાશ્મીરના DGPએ આપી ચોંકાવનારી વિગતો

Back to top button