ટ્રેન્ડિંગનેશનલ

ત્રિપુરામાં મોટી દુર્ઘટના: જગન્નાથ યાત્રાનો રથ હાઈ ટેન્શન લાઈન સાથે અથડાયો, 6ના મોત

Text To Speech

ત્રિપુરા રાજ્યના ઉનાકોટી જિલ્લામાં હાઈ-ટેન્શન વાયરના સંપર્કમાં આવ્યા બાદ રથમાં આગ લાગવાથી 6 લોકોના મોત થયા છે અને અન્ય 15 લોકો ઘાયલ થયા છે. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ભગવાન જગન્નાથની ‘ઉલ્ટા રથયાત્રા’ ઉત્સવ દરમિયાન કુમારઘાટ વિસ્તારમાં સાંજે લગભગ 4.30 વાગ્યે આ ઘટના બની હતી. આ તહેવાર દરમિયાન ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથ રથયાત્રાના એક અઠવાડિયા પછી તેમના મુખ્ય મંદિરમાં પાછા ફરે છે.

લોખંડનો બનેલો રથ હજારો લોકો ખેંચી રહ્યા હતા

પોલીસે જણાવ્યું કે લોખંડનો બનેલો રથ હજારો લોકો ખેંચી રહ્યા હતા, તે જ વખતે રથ અચાનક જ 133 KV ઓવરહેડ કેબલના સંપર્કમાં આવ્યો હતો. આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) જ્યોતિષમાન દાસ ચૌધરીએ પીટીઆઈને જણાવ્યું કે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને 15 અન્ય લોકો દાઝી ગયા છે. તેમણે કહ્યું કે ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની હાલત નાજુક હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મૃત્યુઆંક વધી શકે છે. રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહાએ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ દુ:ખ વ્યક્ત કર્યુ

ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ ટ્વીટ કર્યું હતું કે, “આજે કુમારઘાટ ખાતે ‘ઉલ્ટા રથ’ ખેંચતી વખતે કરંટ લાગવાને કારણે બનેલી દુ:ખદ ઘટનામાં કેટલાય શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા અને કેટલાક ઘાયલ થયા છે. આ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. આ દુર્ઘટનામાં તેમના નજીકના અને પ્રિયજનોને ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરુ છુ. રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોની સાથે ઉભી છે.”

આ પણ વાંચો: યુપીના દેવબંદમાં ચંદ્રશેખર આઝાદ પર હુમલો, બદમાશોએ ગોળી મારી

Back to top button