મોદી ચંદ્રયાન-3ના વૈજ્ઞાનિકોને મળીને ભાવુક થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ISROના કમાન્ડ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 ટીમના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. અહીં તેમણે 3 જાહેરાત કરી હતી. પ્રથમ- દર વર્ષે 23 ઓગસ્ટે ભારત નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરશે. બીજી- જે જગ્યાએ લેન્ડર ચંદ્ર પર ઊતર્યું છે એ જગ્યાને શિવશક્તિ પોઈન્ટ કહેવામાં આવશે. ત્રીજી- ચંદ્રયાન-2ના જે જગ્યા પર નિશાન છે એ પોઈન્ટને ‘તિરંગા’ નામ તરીકે ઓળખાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે 7.30 વાગ્યે બેંગલુરુમાં ઈસરોના કમાન્ડ સેન્ટર પહોંચ્યા હતા. અહીં તેઓ ચંદ્રયાન-3 ટીમના વૈજ્ઞાનિકોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ટીમના તમામ વૈજ્ઞાનિકો સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.
મદુરાઈ રેલવે યાર્ડ પાસે પ્રાઇવેટ ડબ્બામાં આગ ભભૂકી
તામિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર લખનઉથી રામેશ્વરમ જઈ રહેલી પુનાલુર મદુરાઈ એક્સપ્રેસમાં આગ લાગી હતી. મદુરાઈ કલેક્ટરે સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે આ ઘટનામાં 10 લોકોનાં મોત થયાં છે તેમજ 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગના ઉત્તરપ્રદેશના છે.સીતાપુરની એક ટ્રાવેલ એજન્સીએ આ કોચનું થર્ડ પાર્ટી બુકિંગ કરાવ્યું હતું. એમાં 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની ઘટનાની જાણકારી સવારે 5.15 વાગ્યે મળી હતી. જ્યારે ટ્રેનને મદુરાઈ યાર્ડ જંકશન પર રોકી દેવામાં આવી હતી. દક્ષિણ રેલવેનું કહેવું છે કે ટ્રેનના પ્રાઈવેટ પાર્ટી કોચમાં મુસાફરો ગેરકાયદે રીતે ગેસ-સિલિન્ડર લઈ જઈ રહ્યા હતા અને એથી જ આગ લાગી હતી.
પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી
યાત્રાધામ પાવાગઢ ખાતે આજે મોડી સાંજે રોપ-વેનાં પિલર નંબર- 4ની ગરગડીમાંથી કેબલ ઊતરી જતાં રોપ-વે સેવા અટકી ગઈ હતી. તેમજ ઉડનખટોલાની 10થી વધુ બોગીમાં સવાર કેટલાક યાત્રાળુઓ પણ અધવચ્ચે અટવાયા હતા. ઘટના બનતાં જ તાત્કાલિક કેબલને ફરીવાર ગરગડી પર ચડાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દેવામાં આવ્યું હતું. અડધો કલાક ચાલેલી આ કામગીરી દરમિયાન ઉપર ફસાયેલા યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. આ સમગ્ર બનાવમાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નથી. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર યોજાનાર એશિયા કપને લઈને મોટા સમાચાર
પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર યોજાનાર એશિયા કપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ રોજર બિન્ની અને ઉપપ્રમુખ રાજીવ શુક્લા પાકિસ્તાન જશે. રોજર બિન્ની અને રાજીવ શુક્લા એશિયા કપની ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે. આ પહેલને ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધિત સંબંધો સુધારવાની પહેલ તરીકે પણ જોઈ શકાય છે. એશિયા કપ 30 ઓગસ્ટથી યોજાવા જઈ રહ્યો છે અને ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાનમાં રમાશે.
ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા બન્યો નકલી પાયલોટ
વડોદરામાં અનોખો ક્રાઈમનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા નકલી પાયલોટ બની રોલા પાડતો યુવક ઝડપાયો છે. આ અંગે મ઼ળતી માહિતી અનુસાર, એર ઇન્ડિયાના પાયલોટની ઓળખ આપી એરર્પોટમાં પ્રવેશતા સુરક્ષાકર્મીઓએ દબોચ્યો છે. આતંકી હોવાની શંકાએ IB સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરાઈ હતી. જેમની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં એવો પણ ખલાસો થયો છે કે, આરોપી અસલી પાયલટ બનવાની ઘેલછામાં નકલી પાયલોટ બન્યો હતો. મહત્વનું છે કે, પાયલોટ હોવાની ડંફાસ મારી અમદાવાદ, રાજકોટ અને મુંબઈમાં ગર્લફ્રેન્ડ બનાવી હતી. યુવતીઓને પાયલોટના યુનિફોર્મમાં ફ્લાઇટ સાથે ફોટા મોકલી ઈમ્પ્રેસ કરતો હતો. પોલીસે યુવક પાસે જ ગર્લફ્રેન્ડને મેસેજ કરાવ્યો હતો કે, કે હું પાયલોટ નથી. મુંબઈના 20 વર્ષીય રક્ષિત માંગેલાને પૂછપરછ બાદ હકીકત સામે આવ્યા બાદ મુક્ત કરાયો છે.
રાજ્ય સરકારે રક્ષાબંધનના દિવસે રજા જાહેર કરી
ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન નજીક આવી રહ્યો છે. રક્ષાબંધનમાં બહેન પોતાના ભાઈનાં હાથે રક્ષા કરવા કે કરાવવા માટે દોરો બાંધે છે. આ પર્વ શ્રાવણ શુક્લ પૂર્ણિમાનાં ઊજવવામાં આવે છે. 2023 એટલે કે આ વર્ષે રક્ષાબંધન 2 દિવસ ઊજવવામાં આવશે. ત્યારે આ વખતે રાજ્ય સરકારે રક્ષાબંધનનાં દિવસે રજા જાહેર કરી છે. જેથી 30 મી ઓગસ્ટે રાજ્ય સરકાર દ્વારા રક્ષાબંધનની રજા જાહેર કરી છે. તા. 30 નાં રોજ તમામ સરકારી કચેરીઓ રક્ષાબંધનનાં દિવસે બંધ રહેશે. મહત્વનું છે કે, 30 ઓગસ્ટના રોજ સવારે 10:58 વાગ્યાથી ભદ્રા શરૂ થશે અને 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યે પૂર્ણ થશે. જેથી 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યાથી 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે.
પોલીસે મિતુલ ત્રિવેદીનો ખુલાસો માગ્યો
ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચ્યું અને દેશભરમાં હર્ષોઉલ્લાસ છવાઇ ગયો. ઇસરોની સિદ્ધિને ગુજરાત સહિત દેશવાસીઓએ વધાવી લીધી. પરંતુ ગુજરાતમાં ચંદ્રયાનને લઇને થયેલા એક દાવાએ ગુજરાતભરમાં તહેલકો મચાવી દીધો. સુરતના મિતુલ ત્રિવેદી નામના શખ્સે એવો દાવો કર્યો છે કે ચંદ્રયાન-3માં કન્સેપ્ટ અને સ્પેસ ક્રાફ્ટ ડિઝાઇનર તરીકે તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. મિતુલ ત્રિવેદીના દાવા બાદ મીડિયામાં તેમના ઇન્ટરવ્યુ આવવા માંડ્યા. તેમને મીડિયા સમક્ષ પોતાની સિદ્ધિ વર્ણવા માંડ્યા અને અનેક પ્રકારના દાવા કરી નાખ્યા. તો કેટલાક જાગૃત મીડિયા કર્મીઓએ અમદાવાદ ઇસરોના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે પૂછતા સ્ફોટક ખુલાસો થયો. અમદાવાદ ઇસરોના ઉચ્ચ અધિકારીઓએ મિતુલ ત્રિવેદીને ઓળખવાનો ઇન્કાર કરી દીધો. અને ચદ્રયાન-3માં મિતુલ ત્રિવેદીએ કોઇ કામગીરી કરી હોવાની માહિતી હોવાનો પણ અધિકારીઓએ ઇન્કાર કર્યો. તો આ તરફ વિવાદ વધતા સુરત પોલીસે સમગ્ર બાબતે મિતુલ ત્રિવેદીનો ખુલાસો માગ્યો. પરંતુ હજુ તો ગઇકાલે જ મીડિયામાં પોતાની વાહવાહી કરતા મિતુલ ત્રિવેદી હવે મીડિયાના સવાલોથી ભાગીને જતા રહ્યા.