ભારતીય ક્રૂ મેમ્બર્સની સૂઝબૂઝથી બાલ્ટીમોર બ્રિજ પર મોટી દુર્ઘટના ટળી, યુએસ ગવર્નરે પ્રશંસા કરી
વૉશિંગ્ટન (અમેરિકા), 27 માર્ચ: અમેરિકાના મેરીલેન્ડના બાલ્ટીમોર શહેરમાં સોમવારે મોડી રાત્રે એક માલવાહક જહાજ પુલ સાથે અથડાયું હતું. આ દુર્ઘટનાના કારણે પુલનો મોટો ભાગ તૂટીને નદીમાં પડી ગયો હતો. અનેક વાહનો નદીમાં ગરકાવ થઈ ગયા હતા. આ જહાજ સંપૂર્ણપણે ભારતીય ક્રૂ ચલાવી રહ્યા હતા. શિપિંગ કંપની મેર્સ્કે આ વાતની પુષ્ટિ કરી છે. મેરીલેન્ડના ગવર્નરે જહાજના ક્રૂ મેમ્બર્સને ‘હીરો’ ગણાવ્યા છે. આ જહાજનું નામ દાલી છે, જેના પર સિંગાપોરનો ધ્વજ લાગેલો હતો. હજુ એ સ્પષ્ટ નથી થયું કે જહાજ ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે કેવી રીતે અથડાયું. આ ઉપરાંત બે લોકોને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
દુર્ઘટના પહેલા ચેતવણી અપાઈ હતી
મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે જણાવ્યું હતું કે જહાજ બાલ્ટીમોરના પુલ સાથે અથડાતા પહેલા ક્રૂને ચેતવણી આપવામાં આવી હતી. આ પછી અધિકારીઓએ બ્રિજ પરનો વાહનવ્યવહાર બંધ કરી દીધો અને તરત જ લોકોને ત્યાંથી બહાર કાઢ્યા હતા. મેરીલેન્ડના સેનેટર ક્રિસ વેન હોલેને જણાવ્યું હતું કે, પુલ સાથે અથડાયા બાદ જહાજ નદીમાં પડી ગયું હતું. બ્રિજ ધરાશાયી થતા પહેલા ચેતવણી અપાઈ હતી, જેના કારણે ટ્રાફિકને રોકીને લોકોના જીવ બચાવી શકાયા હતા. જો કે, આ દુર્ઘટનાની તપાસ હજુ ચાલુ છે. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે, પુલ બંધ હોવાથી કોઈ પણ તેને પાર કરી રહ્યું ન હતું. આ ઉપરાંત બ્રિજ પર એક રોડ ક્રૂ વાહન પાર્ક કરવામાં આવ્યું હતું અને તે પાણીમાં ડૂબી ગયું હોવાનું જણાયું હતું.
ગવર્નર મૂરે આતંકવાદી હુમલાનો ઇનકાર કર્યો
જો કે, ગવર્નર મૂરે આ ઘટનામાં આતંકવાદી હુમલાના કોઈ પુરાવા હોવાનો ઈન્કાર કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સે મૂરેને ટાંકીને કહ્યું કે આતંકવાદી હુમલાના કોઈ વિશ્વસનીય પુરાવા મળ્યા નથી. દરમિયાન અમેરિકી પ્રમુખ જો બાઇડને વહીવટીતંત્રને આ ભયાનક ઘટના માટે બચાવ પ્રયાસોમાં મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો: VIDEO: અમેરિકામાં કાર્ગોશીપ અથડાતાં નદી પરનો બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો પાણીમાં ગરકાવ