લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા પ્રભારી; મુકુલ વાસનિકને અપાઇ જવાબદારી
નવી દિલ્હી: આગમી 2024 ની ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે. આજે કોંગ્રેસ દ્વારા ગુજરાતનાં કોંગ્રેસનાં પ્રભારી તરીકે મુકુલ વાસનિકને કમાન સોંપવામાં આવી છે.
કોંગ્રેસે ગુરુવારે (17 ઓગસ્ટ) પાર્ટી સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. પાર્ટીએ રણદીપ સુરજેવાલાને મધ્યપ્રદેશના વરિષ્ઠ નિરીક્ષક બનાવ્યા બાદ રાજ્યના પ્રભારી મહાસચિવનો વધારાનો હવાલો આપ્યો છે. બીજી તરફ મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી મહામંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી છે.
રઘુ શર્માના સ્થાને વાસનિકની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ રઘુ શર્માએ રાજીનામું આપ્યું હતું. તો હવે ગુજરાતમાં કોંગ્રેસને જીત અપાવવા અને કોંગ્રેસને મજબૂત કરવા માટે મુકુલ વાસનિકને જવાબદારી આપવામાં આવી છે. જણાવી દઈએ કે, મુકુલ મહારાષ્ટ્રના બુલદાણાના રહેવાસી છે.
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા મુકુલ વાસનિકને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યસભાનાં સાંસદ મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી મહાસચિવ નિયુક્ત કરાઈ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
આ સિવાય બ્રિજલાલ ખબરીના સ્થાને અજય રાયને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.