મેજર રાધિકા સેનને UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યરથી કરાયા સન્માનિત
- રાધિકા સેને કોંગોમાં વિસ્થાપિત લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને સંઘર્ષના ક્ષેત્રમાં મહિલાઓ તેમજ બાળકોનો અવાજ બનવા બદલ મેળવ્યો એવોર્ડ
નવી દિલ્હી, 31 મે: ભારતીય સેનાના મેજર રાધિકા સેનનું સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. તેમને 2023 માટે ‘યુએન મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપનારાઓને આ સન્માન આપવામાં આવે છે.
#IndianArmy congratulates Major Radhika Sen on being conferred with the ‘UN Military Gender Advocate of the Year’ Award by Mr António Guteress, Secretary-General of the United Nations, at #UN Headquarters, #NewYork for her outstanding service in the Democratic Republic of the… pic.twitter.com/qJjyFtm1S3
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 30, 2024
મેજર રાધિકા સેનને માર્ચ 2023થી એપ્રિલ 2024 સુધી મોનુસ્કો (કોંગો)માં મૂકવામાં આવ્યા હતા. અહીં તે ઈન્ડિયન રેપિડલી ડિપ્લોયમેન્ટ બટાલિયનના ટીમ કમાન્ડર હતા. જ્યાં મેજર રાધિકા સેને 20 મહિલા સૈનિકો અને 10 પુરૂષ સૈનિકોની ટીમનું નેતૃત્વ કર્યું હતું. જેમનું કાર્ય મુખ્યત્વે લોકો સાથે વાત કરવાનું, વિસ્થાપિત લોકોની સમસ્યાઓનું નિરાકરણ અને સંઘર્ષના ક્ષેત્રમાં મહિલાઓ અને બાળકો માટે અવાજ ઉઠાવવાનું હતું.
મેજર રાધિકા સેને ભારતીય સેનાની કરી પ્રશંસા
તેમના નેતૃત્વ હેઠળ, સેનાની ટીમે મહિલા આરોગ્ય, શિક્ષણ, બાળ સંભાળ, લિંગ સમાનતા અને રોજગાર જેવા વિષયો પર શૈક્ષણિક સત્રો યોજ્યા હતા. મેજર રાધિકા સેને આ એવોર્ડ તેમની ટીમને, ખાસ કરીને મેજર સૌમ્ય સિંહને સમર્પિત કર્યો હતો. તેમણે કોંગોમાં સેવા આપવા માટે આપવામાં આવેલ વિશ્વાસ અને તક માટે ભારતીય સેનાની પ્રશંસા કરી હતી. આ સિવાય તેમણે તેમના માતા-પિતાનો પણ આભાર માન્યો હતો.
કોણ છે મેજર રાધિકા સેન?
મેજર રાધિકા સેન હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના નાના શહેર સુંદર નગરની રહેવાસી છે. તેમના માતા-પિતા બંને નિવૃત્ત સરકારી શિક્ષકો છે. તેમની નાની બહેન એનેસ્થેસિયામાં MD કરી રહી છે. સુંદર નગરમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, મેજર સેન ઉચ્ચ શિક્ષણ મેળવવા ચંદીગઢ ગયા. તેમની પાસે બાયોટેકનોલોજીમાં એન્જિનિયરિંગની ડિગ્રી છે. ભારતીય સેનામાં જોડાતા પહેલા તે IIT મુંબઈમાંથી M.Tech કરી રહ્યા હતા.
મેજર રાધિકા સેનને 10 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય સેનામાં કમિશન આપવામાં આવ્યું હતું. ભારતીય સેનામાં તેમની કારકિર્દી દરમિયાન, મેજર રાધિકા સેન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ઉત્તર સિક્કિમમાં પોસ્ટ કરવામાં આવ્યા છે.
આ પણ જુઓ: ચીને સિક્કિમ બોર્ડરથી માત્ર 150 કિમી દૂર J-20 સ્ટેલ્થ ફાઈટર જેટ્સ કર્યા તૈનાત, શું કરશે ભારત?