કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

મોરબી : તાજેતરમાં જ ખુલ્લો મુકાયેલો ઝૂલતો પુલ તૂટ્યો : અનેક ડૂબ્યા, CM અને PM એ આપી પ્રતિક્રિયા

Text To Speech

મોરબીમાં રવિવારે ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં તાજેતરમાં જ ખુલ્લો મુકવામાં આવેલો ઝૂલતો પુલ તૂટવાનો બનાવ સામે આવ્યો છે. મચ્છુ નદી ઉપર નિર્માણ પામેલા આ પુલ તૂટવાના કારણે અનેક લોકો નદીમાં ખાબક્યા હતા. બનાવની જાણ થતાં વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી ગયું છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે.

તેમજ સ્થાનિક નેતા અને મંત્રી બ્રિજેશ મેરજા ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. તેમજ લોકોને બિનજરૂરી ત્યાંથી હટી જવા માટે જણાવ્યું છે. પુલ પર કુલ 500 થી વધુ લોકો હોવાની પણ માહિતી મળી રહી છે. હાલમાં એસપી સહિતના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો બચાવ કાર્યમાં જોડાયા છે. બીજી તરફ 7થી 8 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તરવૈયાઓ પણ મોટી સંખ્યામાં પાણીમાં ઉતરીને લોકોને બહાર કાઢી રહ્યા છે.

આ પુલ બન્યાના થોડાં જ દિવસોમાં તૂટી પડ્તાં સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે.

રાજવી પરિવારે બનાવેલો હતો પુલ

મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ છે જો કે, પુલની જવાબદારી જયારે ટ્રસ્ટને આપવામાં આવી હતી ત્યારે આ પુલ જર્જરીત હતો માટે ઝૂલતો પુલ છેલ્લા સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો અને અંદાજે બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે જેથી કરીને નુતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસથી આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ હતો.
આ ઝૂલતા પુલનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે તે માટે થઈને ટ્રસ્ટ દ્વારા જિંદાલ કંપની સાથે વાટાઘાટ કરીને ઝૂલતા પુલને અનુરૂપ મટીરીયલ મંગાવીને નિષ્ણાત પાસે આ પુલનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું છે અને આગામી 15 વર્ષ સુધી મેન્ટેનન્સ અને રીપેરીંગની સાથે સમગ્ર જવાબદારી ઓરેવા ટ્રસ્ટને પાલિકા અને સરકાર દ્વારા સોંપમાં આવી છે આજે આ પુલ ખુલ્લો મૂકવામાં આવતાની સાથે જ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પુલ ઉપર ફરવા માટે ઉમટી પડ્યા હતા.
Back to top button