ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 હજાર કરોડના કોલસા કૌભાંડની તપાસ CIDને સોંપી

Text To Speech

કોલસા કૌભાંડ મામલે ખાતાકીય તપાસ બાદ વધુ તપાસ કરવા મામલે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ગુજરાતના 6 હજાર કરોડના કોલસા કૌભાંડની તપાસ CIDને સોંપી છે. આ મામલે અધિકારીઓ અને નેતાઓની સાઠગાંઠ અંગે તપાસ કરાશે. જેમાં સરકારમાં રહેલા લોકોની સંડોવણી સામે આવી શકે છે.

રાજ્ય સરકારના અધિકૃત સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું કે આ મામલે જે પણ રાજકીય વ્યક્તિ કે અધિકારી અથવા ખાનગી વ્યક્તિ સામેલ હશે તેમની સામે ફોજદારી કાર્યવાહી થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ બાદ સરકારને આમાં ગુનાહિત રીતે મેળાપીપણું કરીને આ કૌભાંડ ચાલતું હોવાનું જણાયું છે. સમગ્ર કૌભાંડમાં એક વરિષ્ઠ IAS અધિકારીની શંકાસ્પદ ભૂમિકાની ચર્ચા રહેલી છે.

કોલસાની ફાળવણી માટેની ખાનગી કંપનીઓને કરાઇ છે બ્લેકલિસ્ટ
કોલસાની ફાળવણી કરતી ઉદ્યોગ કમિશનર કચેરીની ભૂમિકાની પણ તપાસ થશે. કોલસાની ફાળવણી માટેની ખાનગી કંપનીઓને બ્લેકલિસ્ટ કરયા બાદ, કોલસાની ફાળવણીની કામગીરી GMDCને સોંપવામાં આવી છે. ગુજરાતમાં 60 લાખ ટન કોલસાના ગેરકાયદે વેપારને લઇને થયેલાં રૂ.6000 કરોડના કૌભાંડના પર્દાફાશનો મુદ્દો દેશની સંસદમાં ઊઠ્યો હતો. દિલ્હીમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા AAPના સાંસદ નારાયણ દાસ ગુપ્તાએ પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય કોલસા મંત્રીએ જણાવ્યું હતું કે, આ અંગે ગુજરાત સરકારને તપાસ કરવા જણાવાયું છે અને આ કિસ્સામાં ઉચ્ચ સ્તરીય તપાસ સોંપવા અંગે કેન્દ્ર સરકારની કોઇ વિચારણા નથી.

કોલસાની ફાળવણી કરતી ઉદ્યોગ કમિશનર કચેરીની ભૂમિકાની તપાસ
નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને કોલસાની ફાળવણી તથા એજન્સીની નિમણૂક ઉદ્યોગ વિભાગ હેઠળના ઉદ્યોગ કમિશનરની કચેરી કરે છે. આ દરમિયાન સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારના એક સિનિયર અધિકારીની આમાં ગુનાહિત સંડોવણી હોઇ શકે છે.

 શું હતું આ કોલસા કૌભાંડ?
રાજ્યમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગ માટે આવતા 6000 કરોડ રૂપિયાના 60 લાખ ટન કોલસાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સરકારે નિયુક્ત કરેલી ખાનગી એજન્સીઓ સસ્તા ભાવે કોલ ઇન્ડિયા પાસેથી કોલસો લઇ ઊંચા દામે અન્ય વ્યક્તિઓને વેચી દેતી હતી. કૌભાંડમાં ખાનગી એજન્સીઓ, સરકારના લોકો શંકાના દાયરામાં આવ્યા હતા.

Back to top button