ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઉત્તરી ઇઝરાયેલમાં હિઝબુલ્લા દ્વારા મોટો હુમલો, 10 રોકેટ છોડ્યા

  • મોટાભાગની મિસાઈલો ખુલ્લા મેદાનમાં પડી હતી, જેના કારણે કોઈ જાન-માલને નુકસાન થયું નથી

નવી દિલ્હી, 12 ઓગસ્ટ: મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર લગભગ 10થી વધુ મિસાઇલો છોડી છે. ઇઝરાયેલની સેના IDFએ આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, ગઇકાલે રાત્રે લેબનોનથી અનેક મિસાઇલો છોડવામાં આવી હતી. લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહે આ હુમલાની જવાબદારી લીધી છે અને કહ્યું કે, તેમણે ઈઝરાયેલના સૈન્ય મથકોને નિશાન બનાવીને આ હુમલો કર્યો છે. જેમાંથી મોટાભાગની મિસાઈલો ખુલ્લા મેદાનમાં પડી હતી, જેના કારણે કોઈ જાન-માલને નુકસાન થયું નથી.

 

આ હુમલા બાદ અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને મધ્ય પૂર્વમાં ગાઈડેડ મિસાઈલ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટ સાથે વાત કરી અને તેમને કહ્યું કે, તેમણે મદદ માટે બે જહાજો અને સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોને એક નિવેદનમાં જણાવ્યું હતું  કે, રક્ષા મંત્રી ઓસ્ટીને અબ્રાહમ લિંકન સ્ટ્રાઈક ગ્રુપને મધ્ય પૂર્વમાં હથિયારોની સપ્લાય વધારવા માટે કહ્યું છે.

ઈરાન અને લેબનોન ઈઝરાયેલથી કેમ નારાજ છે?

ગયા મહિને ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. હાનિયાની હત્યા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. આ ઘટનાના એક દિવસ પહેલા લેબનોનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહના ટોચના સૈન્ય કમાન્ડર ફઉદ શુકરની હત્યા કરવામાં આવી હતી. હાનિયા ગાઝામાં હમાસનો ચીફ હતો અને તે ઈરાનના નવા પ્રમુખના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા તેહરાન ગયો હતો.

હાનિયાની હત્યા બાદ ઈરાને ઈઝરાયલને ગંભીર પરિણામોની ચેતવણી પણ આપી હતી. આ પછી હિઝબુલ્લાએ ઈઝરાયેલને નિશાન બનાવવાનું શરૂ કર્યું. આ પહેલા પણ હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર લગભગ 50 રોકેટ છોડ્યા હતા. જોકે, ઈઝરાયેલના આયર્ન ડોમે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.

ઈરાન અને હિઝબુલ્લાહ દ્વારા બદલો લેવાની જાહેરાતને કારણે મધ્ય પૂર્વમાં મોટા પાયે યુદ્ધની શક્યતા વધી ગઈ છે. આ દરમિયાન અમેરિકી પ્રમુખ જો બાઈડને વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવા ઈમરજન્સી બેઠક યોજી હતી. પેન્ટાગોને વધુ ઘટનાઓને રોકવા માટે આ વિસ્તારમાં વધારાના સૈન્ય દળોને તૈનાત કરવાની જાહેરાત કરી છે.

આ પણ જૂઓ: બિહારના જહાનાબાદમાં સિદ્ધેશ્વર મંદિરમાં મચી નાસભાગ, 7 શ્રદ્ધાળુઓના મૃત્યુ; 35 ઘાયલ

Back to top button