પાકિસ્તાની સેનાની મોટી કાર્યવાહીઃ લેફ્ટનન્ટ જનરલ સહિત અનેક અધિકારી કરાયા સસ્પેન્ડ
લાહોર: પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું કે સેનાએ 9 મેના રોજ થયેલી હિંસક ઘટનાઓ અંગે ચાલી રહેલી તપાસ પૂર્ણ કરી લીધી છે.
સેનાના પ્રવક્તાએ સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તપાસ બાદ લેફ્ટનન્ટ જનરલ સહિત ત્રણ અધિકારીઓને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
બરતરફ કરાયેલા અધિકારીઓ પાસે 9 મેના રોજ લશ્કરી સ્થાપનોની સુરક્ષાની જવાબદારી હતી.
તેમણે કહ્યું કે ત્રણ મેજર જનરલ અને સાત બ્રિગેડિયર્સ સહિત 18 અધિકારીઓ સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
અહેમદ શરીફે જણાવ્યું કે 102 બદમાશો પર સૈન્ય અદાલતોમાં કેસ ચાલી રહ્યો છે.
9મી મેના રોજ શું થયું
9 મેના રોજ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની મંગળવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટ નજીક પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ઈમરાન ખાનની પાર્ટીએ તેમની ધરપકડને ‘અપહરણ’ ગણાવી હતી. તેમની ધરપકડ બાદ પાકિસ્તાનના અનેક શહેરોમાં હજારો સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
પીટીઆઈના કાર્યકરો રાવલપિંડીમાં પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટરના ગેટ નંબર એક પર પહોંચ્યા હતા અને તેને તોડી અંદર ઘૂસ્યા હતા.
લાહોરમાં ઈમરાન ખાનના સમર્થકો કેન્ટમાં કોર્પ્સ કમાન્ડરના ઘર પાસે પહોંચ્યા અને ત્યાં પાર્ક કરેલા અનેક વાહનોને આગ ચાંપી દીધી.