ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ નજીક મોટી દુર્ઘટના : બે કાર ટકરાતા 5 લોકોના કમકમાટીભર્યા મોત
ઉત્તર પ્રદેશમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં કાનપુર પાસે ઉન્નાવ જિલ્લાના ઔરસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર શુક્રવારે બપોરે આગરાથી લખનૌ તરફ જઈ રહેલી હાઈસ્પીડ કાર ડિવાઈડર તોડીને બીજી લેનમાં ઘુસી ગઈ હતી. તેમજ લખનઉથી મથુરા જઈ રહેલી કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ડિવાઈડર તોડી કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે કે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતા પોલીસ પહોંચી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા. યુપીડીએની રેક્સ્યુ અને ઔરસ પોલીસની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.
મુખ્યમંત્રી યોગીએ દુઃખ વ્યક્ત કર્યું
અકસ્માતમાં પાંચને મૃત જાહેર કર્યા બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘાયલો પૈકી બેની ગંભીર હાલતને જોતા લખનૌ KGMU રેફર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. અકસ્માતની માહિતી એસડીએમ હસનગંજ, સીઓ બાંગરમાઉ અને ત્રણ પોલીસ સ્ટેશનની ફોર્સ પહોંચી હતી.