

નાઈજીરીયાના ઉત્તરપૂર્વીય શહેર મૈદુગુરીની બહાર ત્રણ બસો અથડાતા ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા છે. દેશની માર્ગ સુરક્ષા એજન્સીએ આ માહિતી આપી છે. બોર્નો રાજ્યની માર્ગ સુરક્ષા એજન્સીના વડા ઉતાને બોઈએ જણાવ્યું હતું કે બે કોમર્શિયલ બસો સામસામે અથડાતાં અને આગ લાગી ત્યારે આ અકસ્માત થયો હતો. દરમિયાન ત્રીજી બસ તેમની સાથે અથડાઈ હતી.

“અત્યાર સુધી 37 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે અને તેમાંથી મોટાભાગના લોકોની ઓળખ થઈ શકી નથી કારણ કે તેઓ સંપૂર્ણપણે બળી ગયા હતા,” બોઈએ જણાવ્યું હતું. બોર્નો રાજ્યની રાજધાની મૈદુગુરીથી લગભગ 35 કિલોમીટર દૂર જકાના ગામ પાસે આ અકસ્માત થયો હતો. એક બસનું ટાયર ફાટતાં તે સામેથી આવતા વાહન સાથે અથડાતાં આ અકસ્માત થયો હતો.
મૃતદેહોને સામૂહિક દફનાવવામાં આવશે
ફેડરલ રોડ સેફ્ટી કોર્પ્સ સેક્ટર કમાન્ડરે જણાવ્યું હતું કે- “એક બસે કાબુ ગુમાવ્યો અને રસ્તા પરથી બસ પલટી ગઈ અને બીજી બસ સાથે અથડાઈ.” વહીવટીતંત્રની દેખરેખ હેઠળ મૃતદેહોને સામૂહિક રીતે દફનાવવામાં આવશે.