- આરોપી વિનય ચૌધરીએ ઈન્ટરમીડિયેટ બાયોલોજી અને મેથેમેટિક્સ પેપરના ફોટો વોટ્સએપ ગ્રુપમાં કર્યા હતા વાયરલ
ઉત્તર પ્રદેશ, 2 માર્ચ: યુપીમાં ધોરણ-12 બોર્ડના પેપર લીક કેસમાં મુખ્ય આરોપી એવા વિનય ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આરોપી વિનયે ઈન્ટરમીડિયેટ બાયોલોજી અને મેથેમેટિક્સ પેપરના ફોટો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યા હતા. હવે યુપી પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ દરમિયાન અનેક સવાલોના જવાબો સામે આવશે. પેપર લીક કેસના મુખ્ય આરોપી વિનય ચૌધરીની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.
વોટ્સએપ ગ્રુપમાં બે પેપરના ફોટા શેર કરવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, 29 ફેબ્રુઆરીએ યુપી બોર્ડની બીજી શિફ્ટની પરીક્ષામાં ધોરણ 12ના બે પેપર લીક થયા હતા. આગ્રાની અતર સિંહ ઇન્ટર કોલેજમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર વિનય ચૌધરીએ સાંજે 3.11 કલાકે ‘ઓલ પ્રિન્સિપલ આગ્રા’ નામના વોટ્સએપ ગ્રુપ પર ઇન્ટરમીડિયેટ બાયોલોજી અને મેથેમેટિક્સના પેપરનો ફોટા શેર કર્યા હતા. તે સમયે, પરીક્ષા શરૂ થયાને એક કલાક અને 11 મિનિટ વીતી ગઈ હતી અને તમામ ઉમેદવારો તેમના સંબંધિત પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી રહ્યા હતા.
ઇન્ટર કોલેજ માન્યતા સમાપ્ત કરવામાં આવી
12મા ધોરણના પેપર લીક મામલે સરકાર ફુલ એક્શન મોડમાં છે. આગ્રામાં જ્યાંથી પેપર લીક થયું હતું તે કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. યુપી બોર્ડની બેઠકમાં અતર સિંહ ઈન્ટર કોલેજ રોજૌલીની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગરાની અતર સિંહ ઇન્ટર કોલેજ રોજૌલીમાંથી ગણિત અને જીવવિજ્ઞાનનું પેપર લીક થયું હતું.
વિનય ચૌધરી ઉપરાંત કયા આરોપીઓના નામનો પણ સમાવેશ ?
આગરાના જિલ્લા શાળા નિરીક્ષકે આ ગુનાહિત કૃત્યની નોંધ લેતા મુખ્ય આરોપી વિનય ચૌધરી, શાળા કેન્દ્ર સંચાલક રાજેન્દ્ર સિંહ, વધારાના કેન્દ્ર સંચાલક ગંભીર સિંહ, સ્ટેટિક મેજિસ્ટ્રેટ ગજેન્દ્ર સિંહ અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ 29 ફેબ્રુઆરીએ FIR દાખલ કરી હતી. એટલું જ નહીં, કેન્દ્રના પ્રશાસક રાજેન્દ્ર સિંહ અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરીને તેમને જેલમાં પણ મોકલી દેવામાં આવ્યા હતા અને સ્ટેટિક મેજિસ્ટ્રેટ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પછી આખરે મુખ્ય આરોપી વિનય ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ પણ જુઓ: કાશી વિશ્વનાથ મંદિરની નજીક માંસની દુકાનો પર મોટી કાર્યવાહી, 26 દુકાનો સીલ