મહુઆ મોઇત્રા EDના સમન્સ પર હાજર નહીં થાય, ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાનું આપ્યું કારણ
નવી દિલ્હી, 28 માર્ચ: TMC નેતા મહુઆ મોઇત્રાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના સમન્સની અવગણના કરી છે. ગઈકાલે મહુઆ મોઇત્રાને દિલ્હીમાં ઇડી ઓફિસમાં પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. TMC નેતાએ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાનું કારણ આપીને આજે ઇડી સમક્ષ હાજર થવા અસમર્થતા દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે EDએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘનના મામલામાં પૂછપરછ માટે મોઇત્રા અને દુબઈ સ્થિત બિઝનેસમેન દર્શન હિરાનંદાનીને નવેસરથી સમન્સ જારી કર્યા હતા.
મહુઆએ નોટિસને મુલતવી રાખવાની માંગ કરી હતી
49 વર્ષીય TMC નેતા મહુઆ મોઇત્રાને કેન્દ્રીય એજન્સીએ પૂછપરછ માટે બે વાર સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેઓ સત્તાવાર કામને ટાંકીને હાજર થયા ન હતા અને નોટિસને મુલતવી રાખવાની માંગ કરી હતી. ED ફેમાની જોગવાઈઓ હેઠળ મહુઆ મોઈત્રાનું નિવેદન રેકોર્ડ કરવા માંગે છે. તૃણમૂલ નેતા વિરૂદ્ધ NRE ખાતાને લગતા વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય વિદેશમાં પૈસા મોકલવાના અન્ય કેટલાક કેસોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
CBIએ પણ દરોડા પાડ્યા હતા
આ ઉપરાંત સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI)એ શનિવારે કથિત રીતે પૈસા લેવા અને પ્રશ્નો પૂછવાના સંબંધમાં TMC નેતાના ઘર પર દરોડા પાડ્યા હતા. આના થોડા દિવસો પહેલા લોકપાલે CBIને બીજેપી સાંસદ નિશિકાંત દુબે દ્વારા મોઇત્રા પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, મહુઆ મોઇત્રાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોઇત્રાને ડિસેમ્બરમાં ‘અનૈતિક આચરણ’ માટે લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમની પાર્ટીએ તેમને ફરીથી આગામી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. જો કે, ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી મોઇત્રાએ ED સમક્ષ હાજર રહેવાનું ટાળ્યું છે.
આ પણ વાંચો: EDએ મહુઆ મોઇત્રાને વિદેશી હૂંડિયામણ ઉલ્લંઘન કેસમાં સમન્સ પાઠવ્યું