ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુનાવણી દરમિયાન જવાબ નહીં આપી શકાતા મહુઆ મૌઈત્રાએ કર્યો વૉકઆઉટ

Text To Speech

નવી દિલ્હી: સંસદની એથિક્સ કમિટિની બેઠકમાં હોબાળો થતાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મૌઈત્રાએ વૉકઆઉટ કર્યો હતો.  મહુઆ મૌઈત્રાનું કહેવું છે કે, તેમને અંગત પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા. સાથોસાથ વિપક્ષી સભ્યોએ પણ વૉકઆઉટ કર્યો હતો. સમિતિની બેઠક અધવચ્ચે છોડીને વિપક્ષના સાંસદો ગુસ્સામાં ભડકી ઉઠ્યા હતા. તેઓ ભાજપની ટીકા કરતા હતા. વૉકઆઉટ કર્યા પછી પણ મહુઆ મોઇત્રા ખૂબ ગુસ્સામાં જોવા મળી હતી. જોકે, મહુઆ મૌઈત્રા અને વિપક્ષી સભ્યો દ્વારા વૉકઆઉટ કર્યા પછી પણ લોકસભાની એથિક્સ કમિટિએ ચર્ચા ચાલુ રાખી હતી.

વિપક્ષી નેતાઓ પણ હોબાળો કર્યો

બીએસપી સાંસદ દાનિશ અલીએ આરોપ લગાવ્યો કે અધ્યક્ષ અને ભાજપના સાંસદ વિનોદ કુમાર સોનકર TMC સાંસદ મહુઆ મૌઈત્રાને અનૈતિક પ્રશ્નો પૂછી રહ્યા છે. તેમણે કહ્યું કે, કમિટિમાં પૂછવામાં આવી રહ્યું છે કે રાત્રે કોની સાથે વાત થઈ. કોણ કોની સાથે વાત કરે છે, શું વાત કરે છે. આ બધી વાતો પૂછવી અયોગ્ય છે. જેના કારણે સભા દરમિયાન હોબાળો થયો હતો. કૉંગ્રેસના સભ્ય એન ઉત્તમ કુમાર રેડ્ડીએ કહ્યું કે અમને લોકસભાની એથિક્સ કમિટિના અધ્યક્ષ દ્વારા તૃણમૂલ સાંસદ મહુઆ મૌઈત્રાને પૂછવામાં આવેલા પ્રશ્નો અનૈતિક જણાયા.

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ અદાણી કેસમાં સવાલો પૂછવાના બદલામાં મહુઆ મૌઈત્રા પર મુંબઈના બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી વિદેશ યાત્રાઓ માટે મોંઘી ભેટો અને ફંડ મેળવવાનો આરોપ લગાવ્યો છે. જોકે, મહુઆનું કહેવું છે કે ભાજપ તેમને ફસાવવા માટે આવા આરોપો લગાવી રહી છે. ટીએમસી સાંસદનું એમ પણ કહેવું છે કે પીએમ મોદી અને અદાણીને લગતા પ્રશ્નો ન પૂછવાના બદલામાં ભાજપના બે સાંસદોએ તેમને લાંચની ઓફર કરી હતી. હજુ સુધી એથિક્સ કમિટિએ વૉકઆઉટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો: મહુઆ મોઇત્રા લાંચ કેસમાં લોકસભાની એથિક્સ કમિટિ આજે સુનાવણી કરશે

Back to top button