ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહુઆ મોઇત્રાને હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં સરકારી બંગલો ખાલી કર્યો

  • એસ્ટેટ ડિરેક્ટોરેટે દ્વારા મોકલેલી ટીમે મહુઆ મોઇત્રાના સરકારી બંગલાને તાળું લગાવ્યું

નવી દિલ્હી, 19 જાન્યુઆરી: તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ મહુઆ મોઇત્રાને સરકારી બંગલો ખાલી કરવા માટે અનેક વખત નોટીસ મળી હતી, ત્યાર બાદ 17 જાન્યુઆરીના રોજ તેમને સરકારી બંગલો ખાલી કરવા માટે અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું. મહુઆ મોઇત્રાએ ઘર ખાલી કરાવવા સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ગુરુવારે કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. પીટીઈના રિપોર્ટ અનુસાર, આજે 19 જાન્યુઆરીના રોજ એસ્ટેટ ડિરેક્ટોરેટે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાનો સરકારી બંગલો ખાલી કરવા માટે એક ટીમ મોકલી હતી. મળતી માહિતી મુજબ મહુઆના સ્ટાફે તેના સત્તાવાર નિવાસસ્થાનમાંથી તમામ સામાન બહાર કાઢ્યો છે અને મકાનને તાળું માર્યા બાદ મકાનની ચાવી એસ્ટેટ વિભાગને સોંપવામાં આવી છે.

બંગલો ખાલી કરવા અનેક નોટિસો મળી

ડિસેમ્બર મહિનામાં સંસદમાં એથિક્સ કમિટીના રિપોર્ટના આધારે તેમને સંસદના સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ પછી તેમને 7 જાન્યુઆરી સુધીમાં બંગલો ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ પછી તેમને બીજી નોટિસ મળી. મહુઆએ નોટિસ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેણીએ સરકારી બંગલામાંથી બહાર કાઢવા પર વચગાળાનો સ્ટે માંગ્યો હતો. જોકે કોર્ટે મહુઆની અરજી ફગાવી દીધી હતી.

અધિકારીઓ આવે તે પહેલાં ઘર ખાલી કરી દેવામાં આવ્યું…

TMC નેતા મહુઆ મોઇત્રાના કાર્યાલયે માહિતી આપી છે કે મહુઆ મોઇત્રાને ફાળવવામાં આવેલું નવી દિલ્હીનું ઘર નંબર 9B ટેલિગ્રાફ લેન આજે સવારે 10 વાગ્યા સુધીમાં સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યું હતું. મહુઆના વકીલો દ્વારા મકાન એસ્ટેટ ડિરેક્ટોરેટને સોંપવામાં આવ્યું હતું, જેઓ તપાસ કરી રહ્યા છે. ઓફિસે જણાવ્યું હતું કે અધિકારીઓના આગમન પહેલા જગ્યા ખાલી કરવામાં આવી હતી, કોઈપણ પ્રકારની હકાલપટ્ટી કરવામાં આવી નથી.

 

મહુઆનું સાંસદ કેવી રીતે ગયું?

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ તેમની ફરિયાદમાં મોઇત્રા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ગિફ્ટના બદલામાં બિઝનેસમેન દર્શન હિરાનંદાનીના કહેવા પર અદાણી ગ્રુપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે લોકસભામાં પ્રશ્નો પૂછ્યા હતા. દુબેએ જણાવ્યું હતું કે આરોપો તેમને સુપ્રીમ કોર્ટના વકીલ તરફથી મળેલા પત્ર પર આધારિત હતા, જેમાં મોઇત્રા અને વેપારી વચ્ચે “લાંચના વ્યવહારોના બહુવિધ પુરાવા” હતા. આ બાબતની તપાસ નૈતિક સમિતિ દ્વારા કરવામાં આવી હતી, ત્યાર પછી મહુઆને સાંસદ પદેથી બરતરફ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સગાભાઈની બેદરકારી ભારે પડી, હાથમાંથી ગુમાવી દીધી સરકારી નોકરી

Back to top button