મહુઆ મોઇત્રાએ સંસદની સદસ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
નવી દિલ્હી, 11 ડિસેમ્બર: TMC નેતા મહુઆ મોઇત્રાએ લોકસભાની સદસ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે એક અરજી દાખલ કરી છે અને તેમની વિરૂદ્ધ એથિક્સ કમિટીની ભલામણ અને ત્યારબાદ સંસદસભ્યનું પદ રદ કરવાની વાતને ખોટી ગણાવી છે. ‘કેશ ફોર ક્વેરી‘ કેસમાં મહુઆ સામે પગલાં લેતા તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. જો કે, તેમણે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યા હતા.
લોકસભાની એથિક્સ કમિટીની તપાસમાં જાણવા મળ્યું કે મહુઆ મોઇત્રાએ બિઝનેસમેન દર્શન હિરાનંદાનીને સંસદીય લોગઈન આઈડી-પાસવર્ડ આપ્યો હતો. ટીએમસીના એક નેતા દ્વારા આવું કરીને દેશની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ઊભો થયો હતો. એથિક્સ કમિટીએ કહ્યું હતું કે, લોગઈન આઈડી-પાસવર્ડ આપવાના બદલામાં મહુઆને હિરાનંદાની દ્વારા રોકડ અને ભેટ પણ મળી હતી. ત્યારબાદ એથિક્સ કમિટિની બેઠકમાં આ આરોપો સાચા હોવાનું જણાવ્યું હતું.
રિપોર્ટમાં એથિક્સ કમિટીએ લોકસભા સ્પીકરને મહુઆ મોઇત્રાને ગૃહમાંથી બહાર કરવાની ભલામણ કરી હતી. રિપોર્ટની રજૂઆત બાદ લોકસભામાં લગભગ એક કલાક સુધી ચર્ચા ચાલી અને ત્યારબાદ મહુઆ મોઇત્રાને સંસદમાંથી બહાર કરવાનો પ્રસ્તાવ જારી કરવામાં આવ્યો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, આ ગૃહ સમિતિના નિર્ણયને સ્વીકારીને સાંસદ મહુઆ મોઇત્રાનું વર્તન અનૈતિક અને અયોગ્ય ઠેરવવામાં આવે છે. તેથી તેમના માટે સાંસદ બની રહેવું યોગ્ય નથી.
મહુઆએ આરોપોને નકારી કાઢ્યા હતા
એથિક્સ કમિટીના નિર્ણય બાદ મહુઆએ કહ્યું કે કમિટીને તેમની સભ્યતા રદ કરવાનો કોઈ અધિકાર નથી. એમ પણ કહ્યું કે તેમણે બિઝનેસમેન હિરાનંદાની પાસેથી રોકડ લીધી હોવાના કોઈ પુરાવા નથી. આ આરોપ સૌથી પહેલા બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ લગાવ્યો હતો, જેના પર કાર્યવાહી કર્યા બાદ મહુઆની સદસ્યતા છીનવાઈ ગઈ હતી.
આ પણ વાંચો: કલમ 370 નાબૂદી યોગ્ય, 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં કાશ્મીરમાં ચૂંટણી યોજવા SCનો નિર્દેશ