T20 World Cup Schedule વિશે વિવાદ ઉભો કરી રહ્યો છે શ્રીલંકન સ્પિનર
5 જૂન, ન્યૂયોર્ક: શ્રીલંકાના સ્પિનર મહીશા થીક્શાનાએ ICC T20 World Cup Schedule અંગે વિવાદિત ટીપ્પણી કરી છે. શ્રીલંકા આ વર્લ્ડ કપની તેની પહેલી જ મેચ સાઉથ આફ્રિકા સામે બહુ ખરાબ રીતે હારી ચૂક્યું છે. આ મેચ બાદ પત્રકારોના સવાલોના જવાબ આપતાં થીક્શાનાએ આ નિવેદન કર્યું હતું.
થીક્શાનાનું કહેવું હતું કે આ વખતના T20 World Cup Schedule તેની ટીમ માટે અન્યાયી છે. તેની ટીમ ન્યૂયોર્કની જે હોટલમાં ઉતરી છે અથવાતો આયોજકો દ્વારા તેને ઉતારો આપવામાં આવ્યો છે તે સ્ટેડિયમથી ત્રણ કલાક ચાલીસ મિનીટના અંતરે છે.
આ ઉપરાંત શ્રીલંકા આ વર્લ્ડ કપમાં ચાર અલગ અલગ વેન્યુઝ પર રમવાનું છે. થીક્શાના આ બાબતે કહે છે, ‘આ અમારા માટે અન્યાયી છે. અમારે દરેક મેચ પત્યા પછી તરત જ મુસાફરી કરવાની રહેશે કારણકે અમે ચાર અલગ અલગ વેન્યુઝ પર અમારી મેચો રમવાના છીએ. અમારે ફ્લોરિડા, મિયામી વગેરે સ્થળોથી ફ્લાઈટ્સ પકડવાની છે. દરેક સમયે એરપોર્ટ પર અમારે ફ્લાઈટમાં બેસતા અગાઉ આઠ કલાક રાહ જોવાની છે. હોટલમાંથી અમારે સાંજે 8 વાગ્યે નીકળી જવાનું છે પરંતુ અમારી ફ્લાઈટ સવારે વાગ્યાની છે. આ અમારા માટે બિલકુલ અન્યાયી છે, પરંતુ અમે મેદાન પર અમારા 100% આપીશું.’
ત્યારબાદ થીક્શાનાએ કહ્યું હતું કે, ‘હું એ ટીમોના નામ નહીં આપું પરંતુ તેમને એવી હોટલ મળી છે જે મેદાનથી ફક્ત 14 મિનિટના અંતરે જ છે. આટલું જ નહીં તેમણે એક જ વેન્યુ પર તેમની તમામ ગ્રુપ મેચો રમવાની છે.’ શ્રીલંકન સ્પિનરે એ બાબત પણ સ્વીકાર્યું હતું કે મુસાફરીના થાકને કારણે શ્રીલંકાની ટીમે સાઉથ આફ્રિકાની મેચ અગાઉ પ્રેક્ટીસ પણ કરી ન હતી.
આ પાછળનું કારણ આપતાં થીક્શાના કહે છે કે થાકને લીધે તેમણે પ્રેકિટસ કરતાં આરામ કરવાનું વધુ પસંદ કર્યું હતું કારણકે તેમણે બીજે દિવસે સવારે 5 વાગ્યે જાગી જવાનું હતું. થીક્શાનાના માનવા અનુસાર ચાર અલગ અલગ વેન્યુઝ પર રમવાનું હોવાથી દરેક વેન્યુની પીચ અને અન્ય બાબતોને સમજવામાં તેમને તકલીફ પડવાની છે.
પહેલી મેચ ન્યૂયોર્ક, પછી બીજી મેચ ડલાસમાં છે જેના ગ્રાઉન્ડ અને પીચ વિશે ટીમને કોઈજ જાણકારી નથી, ત્યારબાદ ફ્લોરિડા જવાનું જ્યાં તેમણે બે મેચ રમવાની છે. થીક્શાના કહે છે કે આ એક માત્ર સકારાત્મક બાબત છે કે તેમણે ફ્લોરિડામાં બે મેચો રમવાની છે.