મહાઠગ કિરણ પટેલની મુશ્કેલીમાં ફરી વધારો,જાણો અમદાવાદ લાવી શું કરાશે
- મહાઠગ કિરણ પટેલની ફરી કરાશે ધરપકડ
- ક્રાઇમ બ્રાન્ચ ટ્રાન્સફર વોરંટથી કરશે ધરપકડ
- કિરણ પટેલને અમદાવાદ ક્રાઇમ ખાતે લવાશે
ઝેડ પ્લસ સિક્યુરિટીમાં બોર્ડર સુધી ફરી આવેલા અમદાવાદના ભેજાબાજ મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરાયા બાદ એકબાદ એક અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં PMO અધિકારીના નામે છેતરપિંડી આચરનાર કિરણ પટેલ અમદાવાદમાં પણ અનેક કળા કરી ચૂક્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સી ED પણ આ મામલે તપાસ કરી રહી છે. જો કે, મહાઠગ કિરણ પટેલની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે.
કિરણ પટેલને આજે અમદાવાદ લાવવામાં આવશે
પ્રાપ્ત વિગતો અનુસાર,કિરણ પટેલને જમ્મુ-કાશ્મીરથી આજે ફરી અમદાવાદ લાવવામાં આવશે. મહાઠગ કિરણ પટેલની ક્રાઈમ બ્રાન્ચની ટીમ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરશે અને અમદાવાદ લાવીને તેની પૂછપરછ કરવામાં આવશે.કાશ્મીરથી અમદાવાદ લવાયા બાદ કિરણ પટેલની સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મામલે તથા અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મામલે પૂછપરછ કરવામાં આવશે. સોલા પોલીસ સ્ટેશનમાં મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. બંનેએ મોરબીના એક વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. કિરણ પટેલ અને માલિની પટેલે વેપારીને GPCBનું લાયસન્સ અપાવવા નામે 42.86 લાખ પડાવ્યા હતા. જોકે, તેમાંથી તેઓએ વેપારીને 11.75 લાખ પરત આપ્યા હતા.
મોરબીના વેપારીને આપી હતી PMO ઓફિસરની ઓળખ
મોરબીના જોધપુર ગામે રહેતા અને બી.એન બ્રધર્સ નામની સિરામિક મશીનરીની ફેક્ટરી ચલાવતા ભરતભાઈ પટેલને વર્ષ 2017માં કિરણ પટેલ સાથે ઓળખાણ થઈ હતી.એ સમયે કિરણે ભરતભાઈને PMO ઓફિસર તરીકેની ઓળખ આપી હતી. તેણે ભરતભાઈને ઘણી મોટી મોટી વાતો કરી હતી. આ ઉપરાંત હાઈકમાન્ડ સુધીની ઓળખાણ હોવાનું પણ જણાવ્યું હતું. જેથી ભરતભાઈએ કિરણની ફાંકાફોજદારી સાચી માની લીધી હતી. ભરતભાઈ મોરબીની કેમિકલ ફેક્ટરીમાં પણ ભાગીદારી ધરાવતા હોવાથી તેમણે પોતાની કેમિકલ કંપની માટે GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)માંથી લાયસન્સ કઢાવી આપવાની વાત કિરણ પટેલને કરી હતી. જે બાદ કિરણ પટેલે તેમને થોડા જ દિવસોમાં લાયસન્સ કઢાવી આપવાનો વાયદો આપ્યો હતો.
આ પણ વાંચો : કિરણ પટેલ બાદ વધુ એક નકલી PMOના અધિકારીની ધરપકડ