અમદાવાદ, 28 માર્ચ 2024 : 27 માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસ. આ દિવસનું અમદાવાદ શહેર ખાતે ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતીના કર્ણાવતી જિલ્લા સમિતિ દ્વારા ‘રંગયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રંગયાત્રા અમદાવાદ શહેરનાં રવિશંકર રાવલ કલા ભવન ખાતેથી શરૂ થઈને લગભગ 1 કિમી જેટલી યાત્રા પૂર્ણ કરીને ફરી રવિશંકર રાવલ કલા ભવન ખાતે પરત ફરી હતી. આ આખી યાત્રામાં ગુજરાત અને મુંબઈથી ખાસ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ આખી યાત્રાની પરિકલ્પના જાણીતા નાટ્યકાર- લેખક-દિગ્દર્શક અને સંસ્કાર ભારતી કર્ણાવતીના મહામંત્રી મનીષ પાટડિયાની હતી. આ કાર્યક્રમ સંસ્કાર ભારતી કર્ણાવતી, ગુજરાત પ્રાંત તથા ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સંગીત અને નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે થયું હતું.
આ યાત્રામાં સૌથી વધારે ધ્યાન કોઈએ ખેંચ્યું હોય તો તે હતો ગજરાજ અને તેના પર હાથમાં નાટ્યશાસ્ત્ર લઈને બિરાજેલા મહર્ષિ ભરતમુનિ. નાચતા, ગાતા ઉત્સવ ઉજવતી આ ભવ્ય કલાકાર યાત્રા એ અત્યાર સુધીના ઇતિહાસમાં થયેલી પહેલ વહેલી હતી.
જુઓ આ વીડિયો:
આ યાત્રામાં 300 જેટલાં નાના-મોટા કલાકારો, સાહિત્યકારો, ચિત્રકારો વગેરે જોડાયાં હતા જેમાં ફિરોઝ ઈરાની, સુજાતા મહેતા, જોરાવરસિંહ જાદવ, માધવ રામાનુજ, કપિલદેવ શુક્લ, નૃત્યાંગના સ્મિતા શાસ્ત્રી,અભેસિંહ રાઠોડ, કવિ રાજેન્દ્ર શુક્લ, અન્નપૂર્ણાબેન શુક્લ, મકરંદ શુક્લ, સુભાષ બ્રહ્મભટ્ટ, જીતેન્દ્ર ઠક્કર, રાજુ બારોટ, અર્ચન ત્રિવેદી, નિસર્ગ ત્રિવેદી, હિના ત્રિવેદી, જાગૃતિ ઠાકોર, ભાવિની જાની, મૌસમ – મલકા મહેતા, કનુ પટેલ, ચેતન દૈયા અને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવે વિશેષ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ ગરબા વૃંદોએ ભાગ લીધો હતો તો જૂની રંગભૂમિના ગીતો પણ લોકોએ માણ્યા હતા અને નીવડેલા કલાકારોના અભિનયને પણ માણ્યો હતો અને કવિઓની કવિતાઓનું રસપાન કર્યું હતું.
આ પણ વાંચો: Infinixનો મેગ્નેટિક વાયરલેસ ચાર્જિંગ સાથેનો પહેલો ફોન, ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ