મહારાષ્ટ્ર : રાયગઢના દરિયામાંથી મળી આવેલી બોટ મામલે શું કહ્યું ઉપ મુખ્યમંત્રી ફડણવીસે ?
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના દરિયા કિનારા પાસેથી એક શંકાસ્પદ બોટ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. રાયગઢ જિલ્લામાં સ્થિત હરિહરેશ્વર બીચ પર મળી આવી છે. હરિહરેશ્વર બીચ મુંબઈથી 200 કિલોમીટર અને પુણેથી 170 કિલોમીટર દૂર હોવાનું કહેવાય છે. આ અંગે વધુ તપાસ કરતા તેમાંથી એકે-47 રાઈફલ, કેટલીક રાઈફલ્સ અને મોટી સંખ્યામાં કારતુસ મળી આવ્યાના અહેવાલ સામે આવ્યા હતા. ત્યારે આ અંગે રાજ્ય સરકાર તુરંત જ એકશનમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી. રાયગઢના ધારાસભ્ય અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી મુજબ, રાયગઢના શ્રીવર્ધનના હરિહરેશ્વર અને ભરડખોલમાં હથિયારો અને દસ્તાવેજો સાથેની કેટલીક બોટ મળી આવી છે. તપાસ ચાલી રહી છે, મેં મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે તાત્કાલિક એટીએસ અથવા રાજ્ય એજન્સીની વિશેષ ટીમની નિમણૂક કરવામાં આવે.
દરિયામાંથી મળી આવેલી બોટ ઓસ્ટ્રેલિયાના નાગરિકની, યુરોપ જઈ રહી હતી
આ મામલે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન જાહેર કર્યું છે. તેમનું કહેવું છે કે સરકાર આ બાબત પર ગંભીર નજર રાખી રહી છે. ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે બોટ ઓસ્ટ્રેલિયાના નાગરિકની છે. બોટ યુરોપ જઈ રહી હતી. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર દરિયામાં બોટનું એન્જિન બગડી ગયું હતું. કોરિયન બોટ દ્વારા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. હવે તે હરિહરેશ્વર બીચ પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે બોટમાંથી ત્રણ એકે-47 રાઈફલ મળી આવી છે. કોંકણ કિનારે હાઈટાઈડને કારણે બોટ અડધી તૂટેલી હાલતમાં આવી હતી.
ઘટનામાં કોઈ આતંકી એંગલની પુષ્ટિ નહીં, તમામ પાસાઓની તપાસ ચાલુ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટીતંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય એજન્સીઓને જાણ કરવામાં આવી છે. કોઈપણ પરિણામની સંભાવનાને હળવાશથી લેવામાં આવશે નહીં. એટીએસ પણ આ અંગે કામ કરી રહી છે. જરૂર પડ્યે વધારાના દળો પણ તૈનાત કરવામાં આવશે. એલર્ટ સ્ટેટસના ધોરણો મુજબ તમામ જરૂરી સાવચેતીઓ લેવામાં આવી છે. તેમણે કહ્યું કે કોઈ આતંકી એંગલની પુષ્ટિ થઈ નથી. અહીં હોડી હમણાં જ આવી છે. અમે કંઈપણ નકારતા નથી. તમામ પાસાઓ તપાસી રહ્યા છે. પોલીસને હાઈ એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
રાયગઢ જિલ્લામાં હાઈ એલર્ટ
ત્યારે આ મામલે હવે રાયગઢ જિલ્લામાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બે શંકાસ્પદ બોટ લાવારસ મળી આવી છે. તેમાંથી એકમાંથી આ હથિયારો મળી આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ આ બોટમાં કોણ આવ્યું અને ક્યાંથી આવ્યું તેની તપાસમાં લાગેલી છે. પોલીસે બોટનો કબજો મેળવી લીધો છે. આ બોટ દરિયા કિનારે મળી આવી હતી. પોલીસ બોટ વિશે માહિતી મેળવવા માટે સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરી રહી છે. મહારાષ્ટ્ર ATSની ટીમ રાયગઢ જવા રવાના થઈ ગઈ છે. આ ટીમ સમગ્ર મામલાની તપાસ કરશે.
26/11 જેવા ષડયંત્રની આશંકા !
ઉલ્લેખીય છે કે મહારાષ્ટ્રમાંથી મળી આવેલી આ શંકાસ્પદ બોટ અગાઉ ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે અને ત્યારબાદ મુંબઈમાં 26/11ની શંકાસ્પદ બોટની જેમ આતંકવાદી ષડયંત્રની શક્યતાઓ ઊભી કરી છે. આ બોટ ક્યાંથી આવી અને તેમાંથી મળેલા હથિયારો કોણે મોકલ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. શું બોટમાં કોઈ આવ્યું હતું ?