મરાઠા આરક્ષણ આંદોલન દરમિયાન હિંસા ફાટી, બસોમાં આગ, 42 પોલીસકર્મી ઘાયલ
HD ન્યૂઝ ડેસ્કઃ મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મરાઠા આરક્ષણની માંગણી સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન શુક્રવારે હિંસક બન્યા હતા, જેમાં પોલીસ અધિકારીઓ સહિત ડઝનેક લોકો ઘાયલ થયા હતા. અહેવાલ મુજબ, જિલ્લાના અંબડ તાલુકામાં ધુલે-સોલાપુર રોડ પર ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા.
વાહનોમાં તોડફોડઃ પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ પ્રદર્શનકારીઓ ગુસ્સે થયા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ ધુલે-જાલના હાઈવે પર અનેક વાહનોમાં તોડફોડ કરી અને બસોને આગ ચાંપી દીધી. પ્રદર્શન દરમિયાન 42 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
3 જિલ્લામાં બંધનું એલાનઃ વિરોધીઓએ આજે, શનિવારે (2 સપ્ટેમ્બર) નંદુરબાર, બીડ અને જાલનામાં બંધનું એલાન આપ્યું છે. મરાઠા આરક્ષણની માંગને લઈને મંગળવારથી આંદોલનકારીઓ ભૂખ હડતાળ પર હતા. તે જ સમયે, રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શાંતિની અપીલ કરી હતી અને હિંસાની તપાસ માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.
શું નુકસાન થયું?: આ હિંસા દરમિયાન 20થી વધુ વાહનોના કાચ ફોડવામાં આવ્યા હતા, આ સાથે ધુલે-જાલના હાઈવે પર 2 બસો સળગાવી દેવામાં આવી. પરિસ્થિતી જોતા રાયોટ કંટ્રોલ સ્ક્વોડ અને એસઆરપીએફને બોલાવવામાં આવી હતી
અનિલ દેશમુખે લાઠીચાર્જની નિંદા કરીઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને NCP (શરદ પવાર) જૂથના નેતા અનિલ દેશમુખે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. દેશમુખે કહ્યું, “જાલનામાં મરાઠા આરક્ષણ માટે શાંતિપૂર્ણ માર્ચ પર અમાનવીય લાઠીચાર્જ કરવામાં આવ્યો તે દુઃખદ છે. હું તેનો સખત વિરોધ કરું છું.”
સીએમ શિંદેએ મરાઠા આરક્ષણ પર વાત કરીઃ એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું કે રાજ્ય સરકાર મરાઠા સમુદાયને અનામત આપવા માટે પ્રતિબદ્ધ છે અને કોઈએ હિંસાનો આશરો લેવો જોઈએ નહીં. કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણે માંગ કરી હતી કે રાજ્ય સરકાર મરાઠા આરક્ષણ પર પોતાનું વલણ સ્પષ્ટ કરે. પૂર્વ મુખ્યમંત્રી ચવ્હાણે કહ્યું કે, અંતરવાળી સારથી ગામમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ લાઠીચાર્જ અસ્વીકાર્ય છે.
આ પણ વાંચોઃ ‘મણિપુરમાં જો જરૂરી હોય તો હેલિકોપ્ટર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય કરો’ : સુપ્રીમ કોર્ટે આપી સૂચના