મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તારીખ 23 જુલાઈએ મુંબઈ સહિત કોંકણ, નાસિક, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયે વરસાદે તબાહી મચાવી હતી, ત્યાર બાદ છેલ્લા ત્રણ-ચાર દિવસથી થોડી રાહત થઈ હતી.
હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી મુશળધાર વરસાદની આગાહી કરીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. રવિવાર અને સોમવારે મરાઠવાડાના જાલના, હિંગોલી, નાંદેડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
બુલઢાણા જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી છે. જેના લીધે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરંતુ ધીમે ધીમે પૂરની સ્થિતિ કાબુમાં આવતી જોવા મળી રહી છે. કોલ્હાપુરની વાત કરીએ તો છેલ્લા ચાર દિવસથી વરસાદના અભાવે અહીં સ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે. કોલ્હાપુર જિલ્લાના લગભગ 16 ડેમમાં પાણીનું સ્તર નીચે આવ્યું છે. અન્ય 15 ડેમોમાં પાણીની સપાટી વધુ છે પરંતુ વરસાદ બંધ રહેતા ધીમે ધીમે પાણીની સપાટી નીચે આવી રહી છે. ટૂંક સમયમાં અહીં પણ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.