કોરોના બાદ હવે H3N2 વાયરસનું જોખમ વધી રહ્યું છે. દેશભરમાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં આ વાયરસના 352 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે અને બે લોકોના મોત પણ થયા છે.
આ પણ વાંચો : H3N2 વાયરસ વિશે સૌથી સરળ ભાષામાં સમજાવતા ડૉ અવકાશ પટેલ, જાણો શું કહ્યું ?
પુડુચેરીમાં તમામ શાળાઓ બંધ
વાયરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને, પુડુચેરીમાં તમામ શાળાઓને 16 થી 26 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રના અહમદનગરમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલો યુવક ગત સપ્તાહે તેના મિત્રો સાથે ફરવા માટે અલીબાગ ગયો હતો. ત્યાંથી પાછા ફર્યા બાદ તેમની તબિયત બગડવા લાગી. તપાસમાં જાણવા મળ્યું કે તે કોવિડ-19 અને H3N2 વાયરસથી સંક્રમિત હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવારે તેનું મોત નીપજ્યું હતું. આ નવા વાયરસને કારણે ઘણા રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા છે. દિલ્હીની તમામ હોસ્પિટલોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. દેશમાં ફરીથી કોરોનાના કેસમાં વધારો થયો છે. કેસોમાં એકાએક વધારો થયો છે. સરકાર લોકોને સાવચેતી રાખવા માટે કહી રહી છે. તેમજ માસ્ક પહેરવાની પણ અપીલ કરી છે.
H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ શું છે?
શ્વસન માર્ગમાં ચેપના કારણે ઈન્ફલ્યુએન્ઝા વાયરસ બને છે. આ વાયરસ પક્ષીઓ અને પ્રાણીઓને પણ સંક્રમિત કરી શકે છે. H3N2 વાયરસ ઈન્ફલ્યુએન્ઝા-A વાયરસનો પેટા પ્રકાર છે. ડબ્લ્યુએચઓ અને યુએસ સીડીસી અનુસાર, તે મનુષ્યોમાં ઈન્ફલ્યુએન્ઝાનું મુખ્ય કારણ છે.
H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના લક્ષણો શું છે?
- તાવ થી ગંભીર ન્યુમોનિયા
- એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ
- વહેતું નાક, ઉંચો તાવ
- છાતીમાં કફ
- ગળામાં દુખાવો અને થાક