આ દેશ હિન્દુઓનો દેશ છે, અહીં કોઈ સર્વધર્મ સમભાવ નહીં ચાલે: દુર્ગા પ્રતિમા ખંડિત કરાતા નિતેશ રાણેએ આકરા તેવર અપનાવ્યા

મુંબઈ, 25 સપ્ટેમ્બર 2025: મુંબઈના માનખુર્દ વિસ્તારના અન્નાભાઉ સાઠે નગરમાં 21 તારીખના રોજ મા દુર્ગાની પ્રતિમાને ખંડિત કરવાનો મામલો સામે આવ્યો હતો. ત્યાર બાદ આ મૂર્તિનું વિસર્જન કરી, એજ દિવસે બીજી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. ગુરુવારે આ પંડાલમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણે આવ્યા અને આરતી ઉતારી હતી. આ સમગ્ર મામલામાં પોલીસે 10 લોકોની ધરપકડ કરી અને 3 આરોપી હજુ પણ ફરાર છે, જેમની તલાશી ચાલું છે.
દેશમાં પહેલા હિન્દુઓનું હિત જોવામાં આવે- રાણે
મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ જય શ્રી રામના નારા સાથે ભાષણની શરુઆત કરતા જણાવ્યું કે, નવરાત્રિના શુભ અવસર પર આપણા આ હિન્દુ રાષ્ટ્રમાં દેવીના દર્શન લેવા માટે અહીં આવ્યો હતો. આપણે ત્યાં હિન્દુ રાષ્ટ્ર છે ને? અહીંયા બીજા કોઈને નહીં ચાલે. પણ જ્યારે આપણે આપણા હિન્દુ રાષ્ટ્રમાં સનાતન ધર્મ અનુસાર, બિલ્કુલ શાંત રીતે કોઈની લાગણીને ઠેસ પહોંચાડ્યા વિના આપણા તહેવાર જો મનાવતા હોય તો કોઈને પણ લીલા મરચાં ન લાગવા જોઈએ. આપણા દેશમાં સૌથી પહેલા હિન્દુઓનું હિત જોવામાં આવશે, ત્યાર બાદ બીજા કોઈનું હિત જોવામાં આવશે.
નિતેશ રાણેએ આગળ કહ્યું કે, અત્યારે ક્યાં ગયા ગંગા જમુની તહેજીબવાળા લોકો. બહુ ભાઈચારો છે ને? તો આપણી દેવીનો હાથ તોડ્યા બાદ કેમ લેક્ચર આપવા માટે સામે નથી આવતા? કેમ આ જેહાદીઓને નથી સમજાવતા કે આવું ન કરો? અને મીડિયા સામે આ લોકો સર્વધર્મ સમભાવ અને ભાઈચારાની ટેપ રેકોર્ડ બજાવે છે. અને જે આપણા દેવી દેવતાઓને આડી નજરે જોવે છે તો હું તમામ હિન્દુ ભાઈઓ અને બહેનોને કહેવા માગું છું અને વચન આપું છે કે આ જે રાજ્ય સરકાર છે તે હિન્દુત્વના વિચારોની સરકાર છે આ ધ્યાન રાખજો. અમે બધા ધારાસભ્ય અથવા મંત્રી હિન્દુઓના વોટથી જ બન્યા છીએ અને આપણે યાદ રાખવું જોઈએ. અમે કોઈ પણ ગોળ ટોપી અને દાઢીવાળાના વોટ નથી આપ્યા.












