મુંબઈ: ધારાવીમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં ટ્રકમાં લાગી ભીષણ આગ,કોઈ જાનહાનિ નથી થઈ


મુંબઈ, 25 માર્ચ 2025: મહારાષ્ટ્રના ધારાવીમાં સિલિન્ડર વાહનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગ્યા બાદ વાહન જોતજોતામાં ખાખ થઈ ગયું. આગ લાગવાની ઘટના બાદ સિલિન્ડર વિસ્ફોટથી ધારાવીમાં ફફડાટ વ્યાપી ગયો. વિસ્તારમાં ડરનો માહોલ હતો. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિની સૂચના નથી મળી.
હકીકતમાં જોઈએ તો, સોમવારે (24 માર્ચ) મુંબઈના ધારાવી વિસ્તારમાં, એક ટ્રકમાં રાખેલા બે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો અને પછી આગ લાગી ગઈ. થોડા સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ડ્રાઇવર કસ્ટડીમાં
પોલીસ અધિકારીએ જણાવ્યું કે અકસ્માત રાત્રે 9.50 વાગ્યે થયો હતો, જ્યારે ટ્રક સાયન-ધારાવી લિંક રોડ પર પીએમજીપી કોલોનીમાં નેચર પાર્ક પાસે હતો. પોલીસે જણાવ્યું કે ધારાવી પોલીસે વાહનના ડ્રાઇવરને કસ્ટડીમાં લીધો છે.
વિસ્ફોટ પછી સાયન-ધારાવી લિંક રોડ પર ભારે ટ્રાફિક જામ
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને સાયન-ધારાવી લિંક રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ચાર વાહનોને નુકસાન થયું હતું અને 19 ફાયર ટેન્ડરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે તપાસ હજુ પણ ચાલુ છે.
આ પણ વાંચો: તિરુવનંતપુરમ: રેલવે ટ્રેક પર મહિલા IB અધિકારીનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરુ કરી