મહારાષ્ટ્રમાં ભાજપ જીત માટે અપનાવશે આ ખાસ ફૉર્મૂલા, જાણો વિગત
મુંબઈ, તા. 7 ઓક્ટોબરઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ એક ખાસ ફૉર્મૂલા અપનાવશે. આ ફૉર્મૂલનાનું નામ MADHAV છે. જે મહારાષ્ટ્રની ચૂંટણીમાં હંમેશા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેથી રાજકીય પક્ષો MADHAV એટલે કે માળી, ધનગર અને વણઝારા મતદારોને તેમના તરફ ખેંચવા માંગે છે. આ ત્રણેય ઓબીસી જાતિઓનું સંયુક્ત રૂપ છે. લોકસભા ચૂંટણી દરમિયાન મરાઠાવાડમાં ભાજપ ખાતું ખોલી શક્યું નહોતું, જ્યારે પશ્ચિમ મહારાષ્ટ્રમાં માત્ર 2 સીટ જ મળી હતી.
ભાજપના સીનિયર નેતાએ ફૉર્મુલાને લઇ કહી આ વાત
ઇકોનૉમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, પાર્ટીના નેતાઓનું માનવું છે કે આ જાતિઓ પર ભાજપની પકડ નબળી પડી છે. મરાઠા આરક્ષણની માંગને લઈ રાજ્ય સરકારના ઢીલા વલણની અસર જોવા મળી રહી છે. ઓબીસી મતદારો ભાજપથી દૂર થઈ રહ્યા હોવાનું કહેવાય છે. ભાજપના સીનિયર નેતાએ કહ્યું, વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટી તેના પ્રદર્શનમાં સુધારો કરવા માંગે છે. તેથી આ ત્રણ જાતિના નેતાઓને ટિકિટ વિતરણમાં પ્રાથમિકતા આપી શકાય છે. અમને આશા છે કે ઓબીસી વોટર્સ વચ્ચે ફરીથી અમારી પકડ મજબૂત થશે.
અહમદનગરનું નામ બદલવા પાછળ હોઈ શકે છે આ વ્યૂહરચના
મરાઠાવાડ વિસ્તારમાં રાજ્યની 46 વિધાનસભા સીટ આવે છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં 70 સીટ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ મહારાષ્ટ્રમાં 20 સીટ અને મરાઠાવાડમાં 16 સીટ જીતી હતી. હાલ મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર છે અને તાજેતરમાં જ અહમદનગરનું નામ બદલીને અહિલ્યાદેવી હોલ્કરના નામ પરથી અહિલ્યાનગર કરવામાં આવ્યું છે. અહિલ્યાદેવી હોલ્કર ધનગર સમુદાયમાં પૂજનીય છે અને તેમના માટે દેવી સમાન છે. આ ઉપરાંત રાજ્ય સરકારે બ્રાહ્મણ અને રાજપૂત સમુદાયના આર્થિક વિકાસ માટે 2 નિગમ સ્થાપવાનો નિર્ણય લીધો છે. જેના દ્વારા આ જાતિમાં પણ તેમની હાજરી મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.
ચૂંટણીને ધ્યાનમાં રાખી સમીકરણો રચવાની થઈ શરૂઆત
મહારાષ્ટ્રમાં થોડા જ સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ જાતીય સમીકરણો રચવાની કોશિશ તેજ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ મતદારોને આકર્ષવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં ડુંગળીની નિકાસ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો હતો અને વણઝારા વિરાસત મ્યુઝીયમનું ઉદ્ધાટન થયું હતું. નિષ્ણાતો આને મોટી રાજકીય વ્યૂહરચનાના ભાગ રૂપે જોઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ લેન્ડ ફોર જોબ કેસઃ લાલુ પ્રસાદ યાદવ પરિવારને કોર્ટે આપી રાહત