મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ : ‘લૂ’ લાગવાથી 13 લોકોના મોત, કરોડનો ખર્ચ છતાં સુવિધાનો અભાવ
- મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ માટે કાર્યક્રમમાં લાખો લોકોની જનમેદની
- ધખધખતા તાપમાં ‘લૂ’ લગતા લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું
- મૃત્યુ પામેલા લોકોને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત
રવિવારે મહારાષ્ટ્રના ખારઘર વિસ્તારમાં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ‘લૂ’ના કારણે 13 લોકોના મોત થયા છે. આ અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે. માહિતી અનુસાર, સરકાર દર વર્ષે જે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ આપે છે, તેમાં સન્માન મેળવનાર વ્યક્તિને 25 લાખ રૂપિયાની સન્માન નિધિ આપવામાં આવે છે. અત્યાર સુધી જે સત્કાર સમારોહના આયોજન કરવામાં આવતા હતા તે હોલ વગેરેમાં યોજવામાં આવતા હતા, જેનો ખર્ચ પણ માત્ર અમુક લાખ રૂપિયા જ આવતો હતો. પરંતુ આ વખતે સરકારે ખારઘરમાં સ્થિત 305 એકર ખુલ્લા મેદાનમાં આ એવોર્ડ સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં સરકારે 13 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે.
કરોડમાં ખર્ચ છતાં સુવિધાનો અભાવ
કાર્યક્રમ પાછળ આટલા પૈસા ખર્ચ્યા પછી પણ ખુલ્લા મેદાનમાં આયોજિત આ સન્માન સમારોહમાં જાહેર જનતા માટે ન તો મંડપની વ્યવસ્થા હતી કે ન તો પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા. જેના કારણે સવારથી જ ત્યાં એકઠા થયેલા લાખો લોકોને કોઈ પણ જાતના છાંયા વગર તડકામાં બેસી રહેવું પડ્યું હતું. તેમને ન તો પીવાનું પાણી મળ્યું કે ન તો અન્ય કોઈ પ્રકારની મદદ. તેથી, ધકધકતો તાપ અને ‘લૂ’ના કારણે, લોકોનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું. લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં સુધીમાં ઘણાની હાલત એટલી બગડી ગઈ હતી કે રાત્રિના સમયે 11 લોકોના મોત થયા હતા. તાજેતરની જાણકારી અનુસાર 13 લોકોના મૃત્યુ થયા છે.
આ પણ વાંચો : ગુજરાતના ત્રણ સપૂતોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા, જાણો કોણ છે તે હસ્તીઓ
વહીવટી તંત્ર માહિતી આપવા અસમર્થ
મર્યાદા ત્યારે પહોંચી ગઈ જ્યારે શરૂઆતમાં વહીવટીતંત્ર ‘લૂ’ લાગવાથી મૃત્યુ પામેલા લોકો અને મીડિયાને સાચી માહિતી આપવામાં નિષ્ફળ ગયું. જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદે અસરગ્રસ્ત લોકોને મળવા માટે રાત્રે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મીડિયાએ તેમને ઘેરી લીધા અને મૃતકો અને અસરગ્રસ્ત લોકોની માહિતી માંગી. મીડિયાના પ્રશ્નોથી ઘેરાયા પછી, મુખ્યમંત્રી શિંદેએ પહેલીવાર મીડિયાને 11 લોકોના મોત અને આ વિસ્તારની વિવિધ હોસ્પિટલમાં 25 લોકોને દાખલ થવાની માહિતી આપી. ઈનામ તરીકે 25 લાખ રૂપિયા અને ઈવેન્ટ પર 13 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરનાર સરકારના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપીને પોતાની ફરજ પૂરી કરી.
આ પણ વાંચો : ‘એકનાથ શિંદે મુખ્યમંત્રી ન બન્યા હોત જો…’, સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
મંત્રી ઉદય સામંતે સ્પષ્ટતા કરી
સોમવારે શિંદે સરકારમાં ઉદ્યોગ મંત્રી અને રાયગઢ જિલ્લાના પાલક મંત્રી ઉદય સામંતે પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકાર વતી સ્પષ્ટતા આપી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ બપોરે કાર્યક્રમનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો જેથી કાર્યક્રમમાં હાજર રહેલા લોકો સાંજે તેમના ઘરે પહોંચી શકે. દિવસ દરમિયાન કાર્યક્રમના આયોજન અંગે સભ્યોના પરિવારજનો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. 600 હેલ્પર, 150 નર્સ, 75 એમ્બ્યુલન્સ સ્થળ પર તૈનાત હતી. અમરાઈની હોસ્પિટલમાં 4 હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. અન્ય હોસ્પિટલોમાં પણ બેડ રિઝર્વ રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : બિહાર-બંગાળ સહિત 9 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ, 45ને પાર કરશે પારો, જાણો અપડેટ
લોકોને લાવવા માટે 1050 બસો પણ હતી. પરંતુ તાપમાનમાં અચાનક વધારો થતાં આ ઘટના બની હતી. સામંતે કહ્યું કે 13 લોકોના મોત એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, પરંતુ વિપક્ષ તેના પર રાજનીતિ કરી રહ્યા છે. 13 કરોડથી વધુના ખર્ચના પ્રશ્ન પર મંત્રી સામંતે કહ્યું કે આટલા વિશાળ મેદાનને સમતળ કરવા અને ત્યાંના લોકોને સુવિધા આપવા માટે નાણાં ખર્ચવામાં આવ્યા છે. સરકાર આ અંગે સંપૂર્ણ પારદર્શકતા સાથે સમગ્ર ખર્ચની વિગતો રજૂ કરશે.