ઉત્તર ગુજરાતગુજરાત

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં..

Text To Speech

પાલનપુર : અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં છે. મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થાને લીધે આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં આજદિન સુધીમાં લાખો માઇભક્તો મા અંબે ના દર્શન કરીને ધન્ય બન્યા છે. બસ સ્ટેન્ડ થી લઈને મંદિર સુધી રેલીંગ વ્યવસ્થા, લાઈનમાં પીવાના પાણી અને લીંબુ સરબતની વ્યવસ્થા તથા દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલચેરવાળા અને સિનિયર સીટીઝનો માટે બસ સ્ટેન્ડ થી મંદિર સુધી વચ્ચે ની લાઈનમાંથી સીધા લેવાની વ્યવસ્થા છે. દાંતા- અંબાજીના રસ્તાઓ ઉપર અને અંબાજી ગામમાં ત્રણ વાર કરવામાં આવતી સફાઈની કામગીરીથી મેળામાં ચોમેર સ્વચ્છતા જાળવી શકાઈ છે જેની યાત્રિકો સરાહના કરી રહ્યાં છે.

અંબાજી મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થા: રસ્તાઓ ઉપર ચોમેર સ્વચ્છતાની યાત્રિકોએ સરાહના કરી

શ્રી અંબાજી દેવસ્થાન માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલની સુચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં યાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનવાઈ છે. ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો પગપાળા સંઘો અને વાહનો સાથે આવતા માઇભક્તોને લીધે અંબાજીમાં ટ્રાફીક સમસ્યા ન સર્જાય એ માટે પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા કરીને તેમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંબાજી આવતા મુખ્ય રસ્તાઓમાં પાલનપુર તરફથી આવતા વાહનો, આબુરોડ તરફથી, વિરમપુર તરફથી અને હિંમતનગર તરફથી આવતા વાહનો માટે કુલ-19 જેટલાં પાર્કિંગ પ્લોટ બનાવીને ટ્રાફીક સમસ્યા નિવારી શકાઈ છે.

દિવાળી બા ભોજનાલય સહિત ત્રણ જગ્યાએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા

અંબાજીમાં દૂર સુદૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઇભક્તો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રણ જગ્યાએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમાં દિવાળી બા ગુરૂભવન ધર્મશાળા, અંબિકા ભોજનાલય અને ગબ્બર તળેટી ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.તા. 23 સપ્ટેમ્બરથી શરૂ થયેલા દિવાળી બા ભોજનાલય ખાતે પાટણના સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ દ્વારા આજે બુંદી, ખમણ, શાક-રોટલી, દાળ-ભાતનું ભોજન પીરસવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં..

Back to top button