મહાકુંભ: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 73 દેશોના 116 ડિપ્લોમેટ સાથે સંગમમાં ડુબકી લગાવશે


પ્રયાગરાજ, 1 ફેબ્રુઆરી 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભારત સહિત દુનિયાના વિવિધ ખૂણેથી કરોડોની સંખ્યામાં ભક્તો સંગમમાં સ્નાન કરવા પહોંચી રહ્યા છે. આ જ ક્રમમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ શનિવારે મહાકુંભના મેળામાં જશે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દેશના 116 ડિપ્લોમેટ્સ સાથે મહાકુંભ મેળામાં સંગમ સ્નાન કરવા જશે. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ શનિવારે મેળામા આવશે અને એક ધાર્મિક આયોજનમાં સામેલ થશે.
ધ્વજ ફરકાવશે અને સંગમમાં ડુબકી લગાવશે ડિપ્લોમેટ્સ
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાણકારી અનુસાર, શનિવારે 73 દેશોના 116 ડિપ્લોમેટ્સ મહાકુંભ મેળામાં આવશે આ ડિપ્લોમેટનું અરેલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સરકારના નિવેદન અનુસાર, આ ડિપ્લોમેટ અરેલમાં પોતાના દેશોનો ધ્વજ ફરકાવશે અને સંગમમાં ડુબકી લગાવશે. ડિપ્લોમેટ અક્ષયવ, સરસ્વતી કૂપ અને સુતેલા હનુમાન મંદિરમાં પણ દર્શન કરશે.
સીએમ યોગી પણ આવશે પ્રયાગરાજ
અધિકારીઓએ મહાકુંભ નગરમાં શનિવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને મુખ્યમત્રી યોગીના પ્રસ્તાવિત આગમનની પુષ્ટિ કરી છે. જો કે અધિકારીઓએ ઉપરાષ્ટ્રપતિના કાર્યક્રમની જાણકારી શેર કરી નથી. આપવામાં આવેલી જાણકારી અનુસાર, શનિવારે સાંજે ચાર વાગ્યે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ સતુઆ બાબાના શિબિરના પટ્ટાભિષેક કાર્યક્રમમાં સામેલ થવાના છે.
આ પણ વાંચો: આવતા પાંચ વર્ષમાં દિલ્હીને મળવા લાગશે સંપૂર્ણ શુદ્ધ હવા, નીતિન ગડકરીની મોટી જાહેરાત