RSS 8000થી વધુ વિદ્યાર્થીઓને કરાવશે કુંભ દર્શન, જાણો શું છે યોજના
પ્રયાગરાજ, તા.16 જાન્યુઆરી, 2025: પ્રયાગરાજમાં કુંભમેળાનો આજે ચોથો દિવસ છે. અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓ સંગમ તટ પર આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 8000થી વધુ વિદ્યાર્થીઓને કુંભ દર્શન કરાવવાનો ફેંસલો છે. શિડ્યૂલ કાસ્ટમાં આવતાં વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને મહાકુંભમાં લઈ જવામાં આવશે. જે પાછળનો હેતુ ધર્માંતરણ રોકવાનો છે. આ યોજનાની શરૂઆત આજથી થઈ ગઈ છે. સંઘની શિક્ષા શાખા વિદ્યા ભારતીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં વંચિત સમાજ અને અનુસૂચિત જાતિ (SC) સમુદાયો સાથે જોડાયેલા લગભગ 8000 વિદ્યાર્થીઓને કુંભ દર્શન કરાવવાની યોજના બનાવી છે.
2 તબક્કામાં કરાવાશે મુલાકાત
આ પહેલની આજથી શરૂઆત થઈ છે. 10 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીને તેમના માતા-પિતા સાથે કુંભમેળામાં લઈ જવાશે. વિદ્યા ભારતી અનુસાર આ યાત્રાનો ઉદ્દેશ આવા બાળકો ધર્માંતરણના પ્રયાસથી પ્રભાવિત ન થાય તે માટે હિન્દુ પરંપરા, ભારતીય સંસ્કૃતિ અને મહાકુંભના આધ્યાત્મિક મહત્ત્વથી પરિચિત કરાવવાનો છે. ઉત્તર પ્રદેશના અવધ વિસ્તારના 14 જિલ્લાના 2100 વિદ્યાર્થીઓને 16 થી 18 જાન્યુઆરી દરમિયાન મહાકુંભનો પ્રવાસ કરાવવામાં આવશે. જે બાદ ગોરખપુર, કાશી અને કાનપુરના વિદ્યાર્થીઓને 24 થી 26 જાન્યુઆરી તથા અન્ય દિવસોમાં યાત્રા કરાવવામાં આવશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓ માટે પણ આ યોજના પર કામ થઈ રહ્યું છે. આરએસએસનું આ પગલું ભારતીય પરંપરાઓને પ્રોત્સાહન આપવા અને વંચિત સમાજને મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો એક સકારાત્મક પ્રયાસ માનવામાં આવે છે.
શું છે હેતુ
અવધ પ્રાંતની સેવા ભારતી સ્કૂલના રામજી સિંહે જણાવ્યું, આ વિદ્યાર્થીઓને સંતોના આશ્રમ, અખાડા અને સંગમ ઘાટ પર લઈ જવાશે. જ્યાં તેઓ ભારતીય પરંપરા અને મહાકુંભની આધ્યાત્મિક બાબતોને સમજશે. જે તેમને ધર્માંતરણથી બચાવવા અને પોતાના અસ્તિત્વને બચાવવામાં મદદ કરશે. કુંભ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને રોકાવા માટે મેળા વિસ્તારના સેક્ટર 9માં એક વિશેષ શિબિર બનાવવામાં આવી છે. યાત્રા બાદ વિદ્યાર્થીઓના અનુભવોને શેર કરવા માટે એક સત્રનું આયોજન પણ થશે.
આ પણ વાંચોઃ કુંભ બાદ ક્યાં ગાયબ થઈ જાય છે નાગા સાધુ, જાણો રહસ્ય