પાવાગઢના મહાકાળી માતાના મંદિર પર સોનાનો ઢોળ ચડાવાયેલા 8 કળશની પ્રતિષ્ઠા કરવામાં આવી


ગોધરાઃ રાજ્ય સરકાર પાવાગઢ ડુંગર પર મંદિરના રીનોવેશન સાથે બે હજાર શ્રદ્ધાળુઓ એક સાથે ઉભા રહીને દર્શન કરી શકે તેવું પરિસર બનાવવામાં આવ્યું છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નવિન મંદિર સાથે ડુંગર પર દુધિયા તળાવનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહાકાળી મંદિરનું નવીન મંદિર બન્યા બાદ મંદિરની ટોચ પર શિખર પર કળશ પ્રતિષ્ઠા કરવાની કામગીરી શરૂ કરી હતી.
મંદિરના શિખરનું કામ પૂર્ણ થતાં દાતાઓ તરફથી મળેલા સોના દાનમાંથી ગઈ કાલે પ્રથમવાર મંદિરના મુખ્ય શિખર સહિત કુલ 8 શિખરો પર સોનાના ઢોળ ચઢાવેલા કળશની પૂજા વિધી કરવામાં આવી હતી. 13 કળશમાંથી મંદિરના મુખ્ય શિખર પર 6 ફૂટનો એક કળશ અને ધ્વજા દંડ પર 1.50 કિ.ગ્રા.નો સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો હતો. મંદિરના અન્ય શિખરો પર 2 ફૂટના 7 સોનાનો ઢોળ ચઢાવેલા કળશ સ્થાપિત કર્યા હતા.
2 ફૂટના એક કળશ પર 200 ગ્રામ લેખે 7 નાના કળશ પર 7 કરોડના 1.4 કિ.ગ્રા. સોનાનો ઢોળ ચઢાવી પૂજા અર્ચના કરી મંદિરના નાના શિખરો પર સ્થાપિત કરાતાં માતાજીનું મંદિર પર પ્રથમવાર સોનાના કળશથી સુશોભિત થયું હતું. પાવાગઢ મંદિર પર દાતાઓ તરફથી દાનથી મળેલા 14.50 કરોડના 2.900 કિ.ગ્રા સોનાનો ઉપયોગ કરીને નવીન બનેલા મંદિર પર સોનાના ઢોળ ચઢાવેલા 8 કળશ સ્થાપિત થતાં મહાકાળી માતાજીનું મંદિર ઇતિહાસમાં પ્રથમવાર શિખરબદ્ધ બન્યું હતું.
અન્ય 5 કળશને યજ્ઞશાળા પર લગાવવામાં આવશે
આ અંગે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, પાવાગઢવાળી મહાકાળી માતાજીના મંદિર પર 8 સોનાનો ઢોળ ચડાવેલા શિખર પર પ્રતિષ્ઠા કરવામાં આાવી છે. જેમાં મુખ્ય 6 ફૂટના કળશ પર 1.50 કિલોગ્રામ અને અન્ય નાના 2 ફૂટના કળશ પર 200 ગ્રામ સોનાનો ઢોળ ચઢાવીને મંદિરના શિખર પર સ્થાપિત કર્યા છે. જ્યારે બીજા 5 કળશને યજ્ઞશાળા પર લગાવવામાં આવશે.