મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડની સમગ્ર કુંડળી, 2000 સિમકાર્ડ કોણે વાપર્યા? જાણો અત્યાર સુધી શું-શું થયું?
નવી દિલ્હી, 29 એપ્રિલ: મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ધરપકડ કરાયેલા અભિનેતા સાહિલ ખાનને મુંબઈની અદાલતે 1 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. સાયબર સેલની SITએ શનિવારે છત્તીસગઢના જગદલપુરથી સાહિલની અટકાયત કરી હતી. જો કે, 15 હજાર કરોડ રૂપિયાના મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડમાં માત્ર સાહિલ જ નહીં પરંતુ રાજકારણીઓથી માંડીને મોટા માથાના લોકો આમાં સંડોવાયેલા છે. તો ચાલો જાણીએ આ કેસમાં અત્યાર સુધી શું શું થયું…
પોલીસના જણાવ્યા અનુસાર, 2000થી વધુ સિમ કાર્ડ અને 1700 બેંક ખાતાની વિગતો રિકવર કરી છે. આ પહેલા મુંબઈ પોલીસ 6 જાન્યુઆરીએ દીક્ષિત કોઠારી નામના આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે સાહિલ ખાન આ કેસમાં બીજો આરોપી છે. આ કૌભાંડ કેસમાં SITની રચના કરાઈ છે, જે મહાદેવ બેટિંગ એપ અને રિયલ એસ્ટેટ કંપની વચ્ચેના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોનો પર્દાફાશ કરશે. FIR પ્રમાણે 15,000 કરોડ રૂપિયાનો કૌભાંડ છે. મહાદેવ બેટિંગ એપ કેસમાં સાહિલ ખાન અને 31 અન્ય વ્યક્તિ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.
વરિષ્ઠ રાજકારણીઓ અને અમલદારો કૌભાંડમાં સંડોવાયેલા
છત્તીસગઢના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB), આર્થિક અપરાધ વિંગ (EOW)એ 24 એપ્રિલે જણાવ્યું હતું કે તેણે મહાદેવ ઑનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજીની અરજીના કથિત ગેરકાયદેસર ઑપરેશનના સંબંધમાં નવી દિલ્હી અને ગોવામાંથી બે લોકોની ધરપકડ કરી છે. માનવામાં આવે છે કે આ સટ્ટાબાજીના કેસમાં ઘણા વરિષ્ઠ રાજનેતાઓ અને અમલદારો પણ સામેલ છે. મહાદેવ ઑનલાઈન સટ્ટાબાજીની એપ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે EDએ ‘કેશ કુરિયર’નું ઈમેલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનો દાવો કર્યો, જેમાં છત્તીસગઢના તત્કાલિન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને UAE સ્થિત એપ પ્રમોટર્સ પાસેથી કથિત રીતે રૂ.508 કરોડ મેળવ્યા હતા. જો કે, તેમણે આ આરોપોને પાયાવિહોણાં ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 5 નવેમ્બરે 2023એ મહાદેવ બેટિંગ એપની 22 એપ્લિકેશન અને વેબસાઈટ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.
EDએ દુબઈથી આવેલા એજન્ટની ધરપકડ કરી હતી
ઈડીએ રૂ. 5.39 કરોડની રોકડ રિકવર કર્યા બાદ રાયપુરમાં એજન્ટ અસીમ દાસની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, જપ્ત કરાયેલી રોકડને મહાદેવ એપના પ્રમોટર્સ દ્વારા છત્તીસગઢમાં આગામી ચૂંટણી ખર્ચ માટે રાજકારણી ‘બઘેલ’ને પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ હતી. 5 નવેમ્બરે એપ પર પ્રતિબંધના આદેશ બાદ 8 નવેમ્બરે મુંબઈ પોલીસે એપ અને તેના પ્રમોટર્સ સામે કેસ નોંધ્યો. આ મામલે માટુંગા પોલીસ સ્ટેશનમાં સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ સહિત 30થી વધુ લોકો સામે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ આ કેસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપીને તપાસ માટે SITની રચના કરાઈ. અગાઉ 26 એપ્રિલે યુપી STFએ મહાદેવ બેટિંગ એપનો ઇન્ડિયા હેડ અભયને ઝડપી પાડ્યો. મહાદેવ બુક એપનું નેટવર્ક દુબઈથી અભયના પિતરાઈ ભાઈ અભિષેક ચલાવે છે.
અત્યાર સુધીની તપાસમાં શું સામે આવ્યું?
EDએ 15 સપ્ટેમ્બર 2023ના રોજ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે EDએ ભોપાલના ધીરજ આહુજા અને વિશાલ આહુજાની મેસર્સ રેપિડ ટ્રાવેલ્સની તપાસ કરી હતી. આ કંપની મહાદેવ એપના પ્રમોટર્સ, કુટુંબીજનો, વેપારી લોકો અને મહાદેવ એપ, રેડ્ડી અન્ના એપ અને ફેપ્લે.કોમ જેવી સટ્ટાબાજીની વેબસાઇટ્સને સમર્થન આપનાર તમામ સેલિબ્રિટીઓ માટે ટિકિટ બુક કરાવતી હતી. EDએ કહ્યું કે કોલકાતાનો વિકાસ છાપરિયા મહાદેવ એપના સમગ્ર હવાલા બિઝનેસને સંભાળતો હતો. EDએ વિકાસ છાપરિયા અને તેના સહયોગી ગોવિંદ કેડિયાના પરિસરમાં સર્ચ કર્યું હતું. તપાસમાં બહાર આવ્યું કે કેડિયાની મદદથી છાપરિયાએ વિદેશી પોર્ટફોલિયો રોકાણ દ્વારા ભારતીય શેરબજારમાં જંગી રોકાણ કર્યું હતું.
અત્યાર સુધીમાં કેટલી તપાસ થઈ?
ED પહેલા છત્તીસગઢ પોલીસે મહાદેવ એપ સામે તપાસ શરૂ કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, છત્તીસગઢ પોલીસે આ મામલામાં અત્યાર સુધીમાં 75 FIR નોંધી છે. જ્યારે 429 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 15 સપ્ટેમ્બરે જારી પ્રેસ રિલીઝમાં EDએ કહ્યું હતું કે આ કેસમાં અત્યાર સુધીમાં રાયપુર, ભોપાલ, મુંબઈ અને કોલકાતાના 39 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. અત્યાર સુધીના દરોડા દરમિયાન EDએ 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ સિવાય EDએ ફરાર શકમંદો સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું છે.
આ પણ વાંચો: મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, એક્ટર સાહિલ ખાનની ધરપકડ