જાપાનમાં 7.1ની તીવ્રતાનો પ્રચંડ ધરતીકંપઃ સુનામીની ચેતવણી
ટોક્યો, 8 ઓગસ્ટઃ જાપાનમાં આજે વધુ એક વખત ધરતી ધ્રુજી ઊઠી હતી. અહેવાલ મુજબ પહેલો ભૂકંપ 6.9ની તીવ્રતાનો હતો. ત્યારબાદ 7.1ની તીવ્રતાથી ધરતી ધ્રુજી ઊઠી હતી. ભૂકંપની માત્રા વધારે હોવાથી પ્રારંભિક તબક્કામાં સુનામીની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
આજે ભૂકંપના આંચકા મિયાજાકી, કોચી, ઇહીમે, કાગોશિમા અને આઈતા જેવા દરિયાકાંઠા વિસ્તારોમાં અનુભવાયા હતા. અને એ જ કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી છે. પ્રારંભિક અહેવાલ અનુસાર ક્યુશુ તથા શિકોકુ ટાપુઓ પર પણ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ પછી ક્યુશુના મિયાજાકી ક્ષેત્રમાં દરિયામાં એક મીટર ઊંચા મોજાં ઉછળ્યા હતા.
સૌ જાણે છે કે, જાપાન કાયમ માટે ભૂકંપ પ્રભાવિત દેશ છે. અહીં સરેરાશ છ મહિને કે એક વર્ષે મોટા ધરતીકંપ થાય જ છે. આ જ કારણે જાપાનની મોટાભાગના ઊંચાં મકાનો એવી ટેકનોલોજીથી જ બનાવવામાં આવે છે કે ધરતીકંપથી તૂટી ન પડે. આમછતાં અનેક વખત ભૂકંપની માત્રા અને સુનામીને કારણે નાનાં ઘરો અને અન્ય ઇમારતો તૂટી પડતી હોય છે.
આ પણ વાંચોઃ બિહારના આ ગામમાં PMOનો આવ્યો પત્ર, વાંચીને આખું ગામ લાગ્યું નાચવા