વિચિત્ર ઘટના: ઈન્કમ ટેક્સે રેડ પાડી તો ઘરમાંથી મગરનું ટોળું મળ્યું, અધિકારીઓ દોડ્યા, વન વિભાગની ટીમ પકડીને લઈ ગઈ
સાગર, 11 જાન્યુઆરી 2025: મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઈન્કમ ટેક્સ વિભાગની ટીમે એક ઘરમાં દરોડા પાડ્યા. આ દરમ્યાન ઘરમાંથી ચાર મગર પણ મળી આવ્યા. આ મામલે વન વિભાગના તાત્કાલિક સૂચના આપ્યા બાદ ચારેય મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. આ મામલામાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.
ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ કહ્યું કે, આ દરોડા રાજેશ કેસરવાની સાથે જોડાયેલ ઠેકાણા પર પાડ્યા હતા. રાજેશ એક બીડી નિર્માતા, ભવન નિર્માણ કોન્ટ્રાક્ટર અને ભાજપનો પૂર્વ કોર્પોરેટર છે. જો કે ઈન્કમ ટેક્સ વિભાગના કોઈ પણ અધિકારીએ મગરની વાત કરી નથી.
મધ્ય પ્રદેશના હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ અસીમ શ્રીવાસ્તવે જણાવ્યું કે, આ મામલામાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. મગરના સ્વાસ્થ્યની તપાસ થઈ રહી છે. આ મામલેમાં સમગ્ર જાણકારી કોર્ટને આપવામાં આવી છે અને કાયદા અનુસાર આગળની કાર્યવાહી થશે. જો કે અસીમ શ્રીવાસ્તવે એ સ્પષ્ટ નથી કર્યું કે, કૂલ કેટલા મગર જપ્ત કર્યા છે અને તે ઘર કોનું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અહીં ચાર મગર મળ્યા છે.
વન વિભાગે મગરનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાએ મોકલી દીધા છે. અધિકારીઓનું કહેવું છે કે આ મગરની સ્થિતિ સામાન્ય છે અને સ્વાસ્થ્યની તપાસ પુરી થયા બાદ તેમને શિફ્ટ કરવામાં આવશે. ઘરેથી મગર મળવાની આ ઘટના બાદ આજુબાજુના વિસ્તારમાં પણ સનસની ફેલાઈ ગઈ છે. લોકોમાં ચર્ચા થવા લાગી છે કે આખરે ઘરમાં શું કામ મગર રાખ્યા હતા. હાલમાં તો આ કેસમાં તપાસ થઈ રહી છે.
આ પણ વાંચો: લ્યો બોલો! દીકરા માટે શોધેલી કન્યા પિતાને ગમી ગઈ, ઘરમાં પત્નીની જગ્યાએ મા બનીને આવતા યુવક સાધુ બન્યો