અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

મધ્ય પ્રદેશઃ આજે મતદારો ભાજપને રિપિટ કરશે કે કોંગ્રેસનો હાથ પકડશે?

  • મધ્ય પ્રદેશ માટે આજનો વિધાનસભા ચૂંટણીના પરિણામનો દિવસ ખૂબ જ ખાસ
  • રાજ્યમાં બહુમતી મેળવવા અને સરકાર બનાવવા માટે પાર્ટીએ 116 બેઠકો મેળવવી આવશ્યક

ભોપાલ, 3 ડિસેમ્બર : આજનો દિવસ મધ્ય પ્રદેશ માટે ખૂબ જ ખાસ દિવસ છે કારણ કે આજે મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાના છે અને આ પરિણામો એ નક્કી કરશે કે હવે મધ્ય પ્રદેશનું પ્રતિનિધિત્વ કોણ કરશે. શું ભાજપ ફરી એકવાર પુનરાગમન કરશે કે પછી જનતા કોંગ્રેસને તક આપશે? મધ્યપ્રદેશમાં આ વર્ષે 76.22 ટકાનું પ્રભાવશાળી મતદાન નોંધાયું છે, જે 2018ની 74.97% મતદાન ટકાવારીને વટાવી ગયું છે. 230 સભ્યોની મધ્ય પ્રદેશની વિધાનસભા માટે 17 નવેમ્બરે અંદાજે 5.61 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. જે બાદ આજે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાની સાથે મતગણતરી કરવામાં આવશે.રાજ્યમાં બહુમતી મેળવવા અને સરકાર બનાવવા માટે પાર્ટીએ 230માંથી 116 બેઠકો મેળવવી આવશ્યક છે.

વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીનું શું હતું પરિણામ ?

2018ની વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો આ ચૂંટણીમાં કોંગ્રેસનું સૂત્ર હતું કે હવે પરિવર્તનનો સમય છે અને ત્યારબાદ એવું જ થયું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સરકાર બનાવી. કોંગ્રેસ નેતા કમલનાથ 114 બેઠકો સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા અને જ્યોતિરાધિત્ય સિંધિયા મુખ્યમંત્રી બનવાનું ચૂકી ગયા. આ પછી, કમલનાથના કાર્યકાળ દરમિયાન સિંધિયા અને કમલનાથ વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. ઘણા લોકોએ એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી કમલનાથ હોવા છતાં સરકાર દિગ્વિજયસિંહ ચલાવી રહ્યા હતા અને સરકારમાં સિંધિયાનું મહત્વ દિગ્વિજયસિંહના કારણે બિલકુલ હતું નહિ. આ પછી, 2019ની લોકસભા ચૂંટણી થાય છે, જ્યાં સિંધિયા પોતાની લોકસભા સીટ ગુના હારી જાય છે. આ ચૂંટણીની અસર થોડા મહિનાઓ પછી મધ્ય પ્રદેશના રાજકારણ પર પડે છે, જ્યારે માર્ચ 2020માં કોવિડ રોગચાળા દરમિયાન મધ્ય પ્રદેશમાં મોટો ફેરફાર થયો. સિંધિયા સાથે ઘણા ધારાસભ્યો અને કેટલાક મંત્રીઓએ પાર્ટી છોડી દીધી. કોંગ્રેસના શાસનના 15 મહિના બાદ કમલનાથની સરકાર પડી અને ફરી એકવાર શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. થોડા મહિનાઓ બાદ પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસ છોડીને આવેલા કોંગ્રેસના ધારાસભ્યો ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. જેમાં ભાજપને વધુ બેઠકો મળી અને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી સુધી પોતાની સરકાર ચલાવી રાખી.

અગાઉની વિધાનસભા ચૂંટણીમાં વિવિધ પક્ષોને મળેલી બેઠકો અને મતની ટકાવારી

રાજસ્થાન અને છત્તીસગઢની જેમ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ-ભાજપ વચ્ચે સીધો જંગ છે. જ્યારે શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં પાંચમી વખત ભાજપની સરકાર બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી, ત્યારે કોંગ્રેસ આ વખતે વધુ ટકાઉ શાસન માટે ભવ્ય બહુમતીનો દાવો કરવા માંગે છે.2018માં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. કોંગ્રેસ 114 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. જ્યારે ભાજપને 109 બેઠકો મળી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસે સપા, બસપા અને અપક્ષો સાથે મળીને કમલનાથના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. રાજ્યમાં 15 વર્ષથી સત્તામાં રહેલી ભાજપને વિપક્ષમાં બેસવું પડ્યું હતું. જો કે, 2020માં રાજકીય ઘટનાક્રમ બદલાયો જ્યારે 20થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડીને જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થનમાં ભાજપમાં જોડાયા. જેના કારણે કમલનાથ સરકાર પડી અને ફરી એકવાર શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યના વડા તરીકેની બાગડોર સંભાળી. આ વખતે તેમને જનતા તરફથી પૂર્ણ બહુમતી મળવાની આશા છે. સાથે જ કોંગ્રેસને સહાનુભૂતિ કાર્ડ દ્વારા સત્તાની ચાવી મળવાનો વિશ્વાસ છે.

2023ના વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ શું સૂચવે છે ?

ચૂંટણીના એક્ઝિટ પોલ્સ સૂચવે છે કે, ભાજપ છેલ્લા બે દાયકામાં તેનો ગઢ ગણાતા રાજ્યને જાળવી રાખવા માટે ઉત્સુક છે. મોટાભાગના એક્ઝિટ પોલના ડેટામાં બીજેપીને વધુ સીટો મળવાની આગાહી કરવામાં આવી છે, પરંતુ અહીં કોંગ્રેસના નેતા કમલનાથ સીએમ તરીકે પ્રથમ પસંદગી રહ્યા છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાએ ભાજપને 140-162 અને કોંગ્રેસને 70-89 બેઠકો આપી. આજના ચાણક્યએ કહ્યું કે ભાજપને 151 અને કોંગ્રેસને 74 બેઠકો મળશે. અન્ય એક્ઝિટ પોલમાં સમાન પરિણામોની આગાહી કરવામાં આવી છે. દરમિયાન, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ભાજપ રાજ્યમાં સત્તા જાળવી રાખશે.

ચુંટણીમાં જીત હાંસલ કરવા માટે પાર્ટીઓ દ્વારા શું ચૂંટણીવચનો આપવામાં આવ્યા ?

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામાજિક-આર્થિક મુદ્દાઓ જેવા કે ખેડૂતોની કટોકટી, મહિલા સશક્તિકરણ, એલપીજી સિલિન્ડરની કિંમતો, બેરોજગારી, મોંઘવારી, આરોગ્ય અને શિક્ષણ વિગેરે પર ભાર મૂક્યો છે. કોંગ્રેસ અને બીજેપી બંનેએ રાજ્યોમાં કૃષિ સંકટને દૂર કરવા માટે ખેડૂતોને વધુ સહાય પૂરી પાડવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ ચૂંટણી માટે ઢંઢેરો જાહેર કરતા 21 વચનો આપ્યા હતા. જેમાં આગામી પાંચ વર્ષ સુધી ગરીબોને મફત રાશન, મહિલાઓને રૂપિયા 450માં LPG સિલિન્ડર આપવાનું, પીએમ-કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને 12,000 રૂપિયાની વધારાની સહાય, ઘઉંના 2,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ડાંગર માટે 3,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની MSP આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જયારે કોંગ્રેસે 106 પાનાના ઢંઢેરામાં 59 વચનોની યાદી આપી હતી, જેમાં સાર્વત્રિક સ્વાસ્થ્ય વીમા કવચ, OBC માટે 27 ટકા અનામત અને આઈપીએલની રચના સહિતના અનેક વચનો આપ્યા હતા.

મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર સટ્ટા બજારનો શું છે અંદાજ ?

દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો કેવા રહેશે તે હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય છે. ત્યારે સટ્ટા બજાર સાથે સંકળાયેલા સટોડિયાઓ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસ ગાઢમાં કોણ સરકાર બનાવશે તે પણ અનુમાન આપી રહ્યા છે. સટ્ટા બજારના અનુમાન પ્રમાણે, મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. મધ્ય પ્રદેશમાં 114થી 116 બેઠકો પર કોંગ્રેસ અને 110થી 112 બેઠકો પર ભાજપને સફળતા મળશે તેવું સટોડિયાઓ માની રહ્યા છે.

આ પણ જુઓ :છત્તીસગઢના મુખ્યમંત્રીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કરી આ મોટી માંગ

Back to top button