ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ત્રિરંગાને દર મહિને 21 સલામી આપીને ભારત માતાની જય બોલવું પડશેઃ મધ્યપ્રદેશ હાઈકોર્ટે આવી શરતે આપ્યા આરોપીને જામીન

  • આ કેસની સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયો છે 

જબલપુર, 17 ઓકટોબર: મધ્યપ્રદેશના જબલપુરમાં આવેલી હાઈકોર્ટે દેશ વિરોધી નારા લગાવનારા આરોપીને અનોખી શરતો પર જામીન આપ્યા છે, જેની સમગ્ર રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. હાઈકોર્ટે આરોપીને કહ્યું છે કે, તેણે દર મહિને દેશના ગુણગાન ગાવા પડશે. ઉલ્લેખનીય છે કે, આરોપી ફૈઝાન ખાને દેશ વિરોધી નારા લગાવ્યા હતા અને તેનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો હતો. આ પછી આરોપી વિરુદ્ધ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ, જેમાં તે જામીન માટે અરજી કરતો રહ્યો, પરંતુ હવે જબલપુર હાઈકોર્ટે તેને શરતો સાથે જામીન આપી દીધા છે.

 

કઈ શરત આગળ મૂકવામાં આવી?

જબલપુર હાઈકોર્ટે આરોપીને એક શરત સાથે જામીન આપતા કહ્યું કે, “તેણે દર મહિને 21 વખત ત્રિરંગાને સલામી આપવી પડશે અને બે વખત ‘ભારત માતા કી જય’ બોલવું પડશે.” આ કેસની સુનાવણી જસ્ટિસ દિનેશ કુમાર પાલીવાલે કરી હતી. જસ્ટિસ પાલીવાલે પોતાના આદેશમાં કહ્યું કે, મંડીદીપ (રાયસેન)ના રહેવાસી ફૈઝાન ખાને ભોપાલના મિસરોડ પોલીસ સ્ટેશનની સામે લગાવવામાં આવેલા ત્રિરંગા સામે આ શરત પૂરી કરવી પડશે. ફૈઝાન ખાને કેસ પૂરો ન થાય ત્યાં સુધી દર મહિનાના પહેલા અને ચોથા મંગળવારે સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે આ પ્રક્રિયા કરવી પડશે.

આરોપી પંચરની દુકાન ચલાવે છે

રાજધાની ભોપાલ પાસેના મિસરોડમાં પંચરની દુકાન ચલાવતા ફૈઝાન નામના વ્યક્તિએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા અને ભારત મુર્દાબાદ કહ્યું હતું. 17 મે, 2024ના રોજ આ વીડિયો વાયરલ થયા બાદ, બજરંગ દળે તેનો વિરોધ કર્યો અને આ યુવકની ધરપકડની માંગ કરી, ત્યારબાદ મિસરોડ પોલીસે કલમ 153 (B) હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી.

વીડિયો વાયરલ

મહત્ત્વપૂર્ણ છે કે, મામલો 17 મે, 2024નો છે, જ્યારે ફૈઝાનનો ‘પાકિસ્તાન ઝિંદાબાદ, ભારત મુર્દાબાદ’ના નારા લગાવતો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 153B હેઠળ ફૈઝાનની ધરપકડ કરી હતી. તેની સામે 12 અન્ય ગુનાઈત કેસ પણ નોંધાયેલા છે. તે જ સમયે, ફરિયાદ પક્ષે કોર્ટમાં કહ્યું હતું કે, ફૈઝાનનું પગલું રાષ્ટ્રીય એકતા અને સૌહાર્દને નુકસાન પહોંચાડનારું છે, તેથી તેને જામીન ન મળવા જોઈએ. બચાવ પક્ષે દલીલ કરી હતી કે,ફૈઝાનને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તે આ દેશનો નાગરિક છે. તમામ દલીલો ધ્યાને લઈ હાઈકોર્ટે શરતો સાથે જામીન મંજૂર કર્યા છે.

આ પણ જુઓ: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણયઃ નાગરિકતા કાયદાની કલમ 6A માન્ય જાહેર કરવામાં આવી

Back to top button