મધ્યપ્રદેશ: મુખ્યમંત્રી મોહન યાદવના કાફલા સાથે ટકરાઈ ઓટો, 13 વર્ષના બાળક સહિત 3 લોકો ઘાયલ
રાજગઢ,4 ઓગષ્ટ: મધ્યપ્રદેશના રાજગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ઓટો સીએમ મોહન યાદવના કાફલા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 13 વર્ષના બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે સીએમ મોહન યાદવ ભોપાલથી શાજાપુર જઈ રહ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
સીએમ મોહન યાદવનો કાફલો ભોપાલથી શાજાપુર જઈ રહ્યો હતો. આ દરમિયાન સારંગપુર નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો હતો અને મુખ્યમંત્રીના કાફલા સાથે ઓટો અથડાઈ હતી. આ ઘટનામાં 13 વર્ષના બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. કલેક્ટર પણ હોસ્પિટલ પહોંચી ગયા છે.
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઓટોમાં કુલ ચાર લોકો સવાર હતા. આરીફ ઓટો ચલાવતો હતો અને તેની સાથે તેની પત્ની અને 2 બાળકો પણ હતા. ઈજાગ્રસ્ત થયેલા 13 વર્ષના છોકરાની ઓળખ અમીન તરીકે થઈ છે. અમીનને કમર અને પેટમાં ઈજા થઈ છે.
કાફલાના વાહન અને ઓટો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે કાફલાનું વાહન અસંતુલિત બનીને રોડની નીચે ખેતરમાં આવી ગયું હતું. સીએમના કાફલાની સાથે ડીએમ અને એસપી પણ હતા. તેઓ તાત્કાલિક ઘાયલોને જોવા હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને સારી સારવાર માટે સૂચના આપી.
જોકે, આ ઘટનામાં સીએમ મોહન યાદવને કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી અને તેઓ આ અકસ્માતમાં આબાદ બચી ગયા છે. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે મુખ્યમંત્રીના કાફલાના કયા વાહનને કારણે અકસ્માત થયો અને કોની ભૂલ હતી. ઘાયલોની સારવાર ચાલી રહી છે અને કોઈ મોટું નુકસાન થયું નથી. નોંધનીય છે કે આ સમયે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તેથી વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે.
મુખ્યમંત્રીએ ઘાયલોની માહિતી લીધી
મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે અકસ્માતમાં ઘાયલ બાળકો અને તેમના પરિવારજનોના સ્વાસ્થ્ય વિશે કલેક્ટર-ઈન્ચાર્જ મહીપ કિશોર તેજસ્વી પાસેથી માહિતી લીધી હતી અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. ઘાયલો માટે 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લાના સીઈઓ પ્રમોદ કુમાર સિંહે જણાવ્યું કે આ અકસ્માતમાં ઘાયલ બાળકને ₹50,000 ની સહાય રકમ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : નરસિમ્હા રાવે વધારી હતી વકફ બોર્ડની સત્તા,હવે મોદી સરકાર કરશે ઘટાડો,જાણો શું છે વિવાદ