મ.ન.સે. ના રાજ ઠાકરેની NDA માં જોડાવાની અટકળો, દિલ્હી પહોંચ્યા હિન્દુવાદી નેતા
નવી દિલ્હી, 18 માર્ચ : રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતૃત્વ હેઠળના NDAમાં જોડાઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન પર ચર્ચા ચાલી રહી છે. સોમવારે મનસે પ્રમુખ રાજ ઠાકરે દિલ્હીથી મુંબઈ જવા રવાના થયા હતા. એવી અટકળો છે કે મનસે આગામી લોકસભા ચૂંટણી માટે સત્તાધારી ગઠબંધન પાસેથી એક કે બે બેઠકોની માંગ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર MNSની નજર દક્ષિણ મુંબઈ અને શિરડી લોકસભા બેઠકો પર છે. હાલમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે પણ દિલ્હીમાં છે. ભાજપ અને MNS બંને હિન્દુત્વની વિચારધારામાં માને છે અને ગઠબંધન કરવા આતુર છે. રાજ ઠાકરેએ 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમના ઉમેદવારો ઉભા રાખ્યા ન હતા પરંતુ રાજ્યમાં વિવિધ સ્થળોએ ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.
મનસે અને ભાજપના નેતાઓ વચ્ચે સતત બેઠકો
મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલા MNS નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) માં જોડાવાની અટકળો વચ્ચે, મુંબઈ ભાજપના વડા આશિષ શેલાર રાજ ઠાકરેને તેમના શિવાજી પાર્ક સ્થિત ઘરે મળ્યા હતા. અગાઉ ફેબ્રુઆરી મહિના દરમિયાન, MNS નેતાઓએ બીજેપી નેતા અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને તેમના સત્તાવાર નિવાસસ્થાન પર મળ્યા હતા. ત્યારે સૂત્રોએ જણાવ્યું હતું કે, મનસેના નેતાઓએ આગામી સામાન્ય ચૂંટણીને લઈને ફડણવીસ સાથે ચર્ચા કરી હતી.
સૂત્રોનું એમ પણ કહેવું છે કે રાજ ઠાકરેએ પોતાના ત્રણ વિશ્વાસુ નેતાઓને સીટ વહેંચણીની જવાબદારી સોંપી છે. તેઓ ભાજપ સાથે વાતચીત કરી રહ્યા છે. જો ભાજપ અને MNS વચ્ચે ગઠબંધન થશે તો MNSને સૌથી વધુ ફાયદો થશે. કારણ કે મહારાષ્ટ્રમાં MNS અમુક સીટો સુધી સીમિત છે અને સંગઠન પણ નબળું છે.